ભારત-અમેરિકા વચ્ચે ક્યારે થશે ટ્રેડ ડીલ? જુલાઈની ડેડલાઈન પહેલા દિલ્હીમાં યોજાશે ‘મહામંથન’ | India US Trade Deal Jamieson Greer to Meet Piyush Goyal Ahead of Crucial Tariff Deadline

![]()
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કરવા માટેની ચર્ચા હવે વધુ ઝડપી બનશે. આગામી મહિને ટેક્સને લગતી સમયમર્યાદા પૂરી થઈ રહી છે, તે પહેલાં આ ડીલને આખરી ઓપ આપવા માટે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીયર નવી દિલ્હી આવી રહ્યા છે. અહીં તેઓ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે મહત્ત્વની બેઠકો કરશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે.
વચગાળાના વેપાર કરારના પ્રથમ તબક્કાને આખરી ઓપ આપવાની તૈયારી
અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે, ‘નવી દિલ્હીમાં એમ્બેસેડર ગ્રીયરનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું! ભારત-અમેરિકા વેપાર કરારને આગળ વધારવા માટે મંત્રી પિયુષ ગોયલ સાથે અનેક સત્રો નક્કી કરવામાં આવ્યા છે.’
અગાઉ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, ‘વેપાર કરાર પર ચર્ચા માટે અમેરિકન સમકક્ષ દિલ્હી આવી રહ્યા છે. આ બેઠકોનો મુખ્ય હેતુ વચગાળાના વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપવાનો છે, જે ભવિષ્યમાં મોટા વ્યાપક વેપાર કરાર માટે રસ્તો સાફ કરશે.’
જુલાઈમાં ટેરિફની સમયમર્યાદા સમાપ્ત થતાં વાટાઘાટો મહત્ત્વની બની
આ ચર્ચા ખૂબ જ મહત્ત્વની છે કારણ કે અમેરિકાએ અન્ય દેશો પર જે 10% કામચલાઉ ટેક્સ લગાવ્યો છે, તેની મુદત 24 જુલાઈએ પૂરી થઈ રહી છે. અમેરિકન વહીવટીતંત્ર દ્વારા ચાલુ વર્ષની શરૂઆતમાં આ 150 દિવસનો વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો હતો. આ સમયમર્યાદા પૂરી થયા પછી અમેરિકા નવો ટેક્સ નિયમ લાગુ કરે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર આગામી મહિનાના મધ્ય સુધીમાં વેપાર કરારના પહેલા તબક્કાનું કામ પૂરું કરવા માટે આશાવાદી છે.
આર્થિક સંબંધો મજબૂત કરવા બંને દેશો કટિબદ્ધ
ચાલુ મહિનાની શરૂઆતમાં વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સંકેત આપ્યો હતો કે, બંને દેશો વચ્ચેની ચર્ચા મુખ્યત્વે આ કરારના નિયમો નક્કી કરવા અને મોટા વેપાર કરારને આગળ વધારવા પર રહેશે. આ પહેલાં 2 જૂનથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં બંને દેશોના મુખ્ય અધિકારીઓ (ચીફ નેગોશિયેટર્સ) વચ્ચે પણ બેઠક યોજાઈ ચૂકી છે. ભારત અને અમેરિકા તબક્કાવાર રીતે આ આયોજન પૂરું કરીને પોતાના આર્થિક સંબંધો વધુ મજબૂત કરવા અને પરસ્પર વેપાર વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.



