શિકાગોમાં કારમાં આવેલા હુમલાખોરો દ્વારા ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12થી વધુ ઇજાગ્રસ્ત | chicago mass shooting suv firing injures 12

![]()
Chicago Mass Shooting: અમેરિકામાં ગન કલ્ચર અને જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શિકાગો શહેરમાં શુક્રવારે મોડી રાત્રે બનેલી એક હૃદયકંપાવનારી ઘટનામાં અજાણ્યા હુમલાખોરોએ રસ્તા પર ઉભેલી ભીડ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં મહિલાઓ અને સગીર સહિત કુલ 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
શંકાસ્પદ કારમાં આવ્યો હુમલાખોર
પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, શુક્રવારે રાત્રે એક શંકાસ્પદ એસયુવી (SUV) કાર રસ્તા પર લોકોની ભીડ પાસે આવીને અચાનક ઊભી રહી હતી. કાર ઉભી રહેતાની સાથે જ તેમાં સવાર બે સશસ્ત્ર હુમલાખોરોએ કંઈપણ વિચાર્યા વગર ભીડ તરફ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલો એટલો અચાનક અને આક્રમક હતો કે ત્યાં હાજર લોકોને સંભાળવાની તક પણ મળી ન હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા હતા.
8 પુરુષો અને 4 મહિલાઓ લોહીલુહાણ
આ અંધાધૂંધ ગોળીબારની ઝપેટમાં આવતા 12 લોકોને ગોળીઓ વાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોમાં 8 પુરુષો અને 4 મહિલાઓ સામેલ છે, જેમની ઉંમર 17 થી 47 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તમામ ઘાયલોને બચાવીને તાબડતોબ જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ, ઘાયલો પૈકી બે પુરુષોની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે અને તેઓ હાલ મોતના મુખમાં ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરો તેમજ તે એસયુવી કારને ટ્રેક કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.



