दुनिया

‘અમેરિકા ગમે તેટલું દબાણ કરી લે…’, લેબેનોન અંગે નેતન્યાહૂના મંત્રીનો ટ્રમ્પને સીધો પડકાર | Middle East Tension 2026: Israel Minister Smotrich Warns Hezbollah



Middle East Tension 2026: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે ઇઝરાયલે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી લેબેનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારીને હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં. ઇઝરાયલના વરિષ્ઠ મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે અમેરિકા પણ ઇઝરાયલની ‘રેડ લાઈન્સ’ (લક્ષ્મણ રેખા) ને સારી રીતે સમજે છે અને વોશિંગ્ટન (અમેરિકા) તરફથી સેના હટાવવાની કોઈ ઔપચારિક માંગ કરવામાં આવશે નહીં.

સુરક્ષા ક્ષેત્રમાં હંગામી ચોકીઓ નહીં, કાયમી સૈન્ય બેઝ બનાવશે ઇઝરાયલ

ઇઝરાયલી નેતા સ્મોટ્રિચે જણાવ્યું હતું કે, વર્તમાન સરહદી વ્યવસ્થા ઇઝરાયલની સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતી નથી અને દેશને “રક્ષણાત્મક રીતે સુરક્ષિત સરહદો” ની જરૂર છે. આ માટે ઇઝરાયલ માત્ર કામચલાઉ સૈન્ય ચોકીઓ જ નહીં, પરંતુ સુરક્ષા ક્ષેત્રમાં કાયમી સૈન્ય માળખું અને મજબૂત બેઝ પણ વિકસિત કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “જ્યાં સુધી હિઝબુલ્લાહ હથિયાર નહીં છોડે, અમે એક મિલીમીટર પણ પાછા હટીશું નહીં.” આ મુદ્દે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી પણ તેમની સાથે સહમત હોવાનો તેમણે દાવો કર્યો હતો.

સ્વિટ્ઝરલેન્ડમાં યુએસ-ઈરાન ડીલ પર બેઠક: ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પહોંચ્યા

બીજી તરફ, પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને લાગુ કરવા માટે સ્વિટ્ઝરલેન્ડમાં એક અત્યંત મહત્વપૂર્ણ વાર્તા શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) આ હાઈ-લેવલ વાતચીતમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા છે. સ્વિસ વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે ઈરાનનું પ્રતિનિધિમંડળ પણ ત્યાં આવી પહોંચ્યું છે. આ ઐતિહાસિક બેઠક સ્વિટ્ઝરલેન્ડના પ્રસિદ્ધ ‘બર્ગનસ્ટોક રિસોર્ટ’ (Bürgenstock Resort) ખાતે યોજાવા જઈ રહી છે, જ્યાં આગામી થોડા દિવસો સુધી બંને પક્ષો યુદ્ધવિરામ અને સમજૂતીના વિવિધ પાસાઓ પર ગહન ચર્ચા કરશે.

વાટાઘાટો પહેલાં જ નવો તણાવ: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો ઈરાનનો દાવો

જો કે, આ શાંતિ વાર્તા શરૂ થાય તે પહેલા જ વિસ્તારમાં ફરી નવો રાજદ્વારી તણાવ ઉભો થતો જોવા મળી રહ્યો છે. ઈરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને ફરીથી બંધ કરી દેવાનો દાવો કર્યો છે. આ સિવાય લેબેનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે પણ છૂટાછવાયા હુમલા ચાલુ હોવાથી તણાવ યથાવત છે. આવી સ્થિતિમાં સ્વિટ્ઝરલેન્ડની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ વાટાઘાટો જ નક્કી કરશે કે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે કે પછી ફરી ભયંકર યુદ્ધ ફાટી નીકળશે.



Source link

Related Articles

Back to top button