બાંગ્લાદેશમાં ફરી ભયંકર આક્રોશ: ઢાકામાં ગુંજ્યા ‘જય શ્રી રામ’ના નારા, મશાલ સરઘસ સાથે હિન્દુઓ રસ્તા પર | bangladesh hindus protest dhaka lord ram image desecration raise Jai Shri Ram chants

![]()
Bangladesh Hindus Protest: બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં કથિત રીતે કટ્ટરપંથીઓ દ્વારા ભગવાન રામની તસવીરના અપમાનના વિરોધમાં મોટા પાયે પ્રદર્શનો શરૂ થયા છે. આ ઘટનાને પગલે હજારો હિન્દુઓએ ગઇકાલે શુક્રવારે સાંજે ઢાકામાં મશાલ સરઘસ કાઢ્યું હતું અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ આ કૃત્ય પાછળ જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. હિન્દુ મહાજોત સહિતના સંગઠનો અને વિદ્યાર્થીઓ શાહબાગ વિસ્તારમાં એકઠા થયા હતા અને નેશનલ પ્રેસ ક્લબ સુધી કૂચ કરી હતી.
પ્રતિમાનું નિર્માણ કાર્ય અટકાવી દેવાયું
આ સમગ્ર વિવાદ ઉત્તરી ગાયબાંધા જિલ્લાના પલાશબારીમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણને લઈને શરૂ થયો છે. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિ દ્વારા આ પ્રતિમા બનાવવામાં આવી રહી હતી, જેનું લગભગ 80 ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે. જો કે, કટ્ટરપંથી જૂથો તરફથી મળેલી કથિત ધમકીઓને કારણે હાલમાં આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. આ ઘટનાએ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં લઘુમતીઓના અધિકારો અને સુરક્ષા અંગે ફરી ચિંતા ઊભી કરી છે.
સરકારને 72 કલાકનું કડક અલ્ટીમેટમ
વિરોધ પ્રદર્શન કરી રહેલા હિન્દુ સંગઠનોએ પ્રશાસનની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. કથિત રીતે એક ઇસ્લામિક જૂથ દ્વારા ભગવાન રામની તસવીર પર જૂતું મૂકીને તેનું અપમાન કરવામાં આવ્યું હતું, જે અંગે કેસ નોંધાયા છતાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. પ્રદર્શનકારીઓએ તારીક રહેમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સરકારને ગુનેગારોને પકડવા માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ માંગ પૂરી નહીં થાય, તો આગામી દિવસોમાં દેશવ્યાપી આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
64 જિલ્લામાં રામ મંદિરની ચેતવણી
હિન્દુ મહાજોત સંગઠને આકરું વલણ અપનાવતા જાહેરાત કરી છે કે જો પલાશબારીમાં ભગવાન રામની પ્રતિમાનું કામ ફરી શરૂ કરવા દેવામાં નહીં આવે, તો તેઓ બાંગ્લાદેશના તમામ 64 જિલ્લાઓમાં એક પછી એક રામ મંદિરનું નિર્માણ કરશે. આ ઉપરાંત, નેશનલ કમિટી ફોર પૂજા સેલિબ્રેશન્સ દ્વારા શનિવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે અને ધાર્મિક બાબતોના મંત્રાલયને આ અંગે એક આવેદનપત્ર પણ સોંપવામાં આવશે.
ભયના માહોલમાં સામાજિક સૌહાર્દની અપીલ
લગભગ 22 કરોડ બાંગ્લાદેશી ટાકા (આશરે 15.6 કરોડ)ના ખર્ચે બની રહેલા આ મંદિર સંકુલમાં ભગવાન રામ ઉપરાંત શ્રીકૃષ્ણ અને ભગવાન શિવની પ્રતિમાઓ પણ બનાવવાની યોજના છે. મંદિર સમિતિના પ્રમુખ હરિદાસ ચંદ્ર દાસે જણાવ્યું કે, એક કટ્ટરપંથી પ્રવચનકારે પ્રતિમાને બુલડોઝરથી તોડી પાડવાની ધમકી આપી હતી, જેના કારણે તેઓ ભયભીત છે અને કામ રોકવું પડ્યું છે. કમિટીના સલાહકાર શ્યામલાલ કુમાર મહંતે સ્પષ્ટ કર્યું કે, કાયદો-વ્યવસ્થા અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવા માટે તેમણે હાલ પૂરતું આ કામ સ્થગિત કર્યું છે.
લઘુમતીઓ પર વધતી હિંસાના આંકડા
બાંગ્લાદેશમાં હિન્દુઓ સૌથી મોટું ધાર્મિક લઘુમતી જૂથ છે, જે કુલ વસ્તીના અંદાજે 8 ટકા છે. અગાઉની મોહમ્મદ યુનુસ સરકારના સમયથી જ હિન્દુઓ પરના હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન તારીક રહેમાને દેશ બધાનો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ સત્તાવાર આંકડા અનુસાર આ વર્ષે 1 જાન્યુઆરીથી 31 માર્ચ વચ્ચે જ દેશમાં સાંપ્રદાયિક હિંસાની 133 ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.



