गुजरात

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat municipal corporation cleans creek under railway bridge prevent floods


Surat Corporation : સુરતમાં દર વર્ષે ચોમાસામાં ખાડી પુરને કારણે લિંબાયત, વરાછા અને ઉધના સહિતના વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ખાડીની સફાઈને વિશેષ પ્રાથમિકતા આપી છે. ફ્લોટિંગ પોકલેન મશીન દ્વારા ખાડીઓમાંથી કચરો અને ગાદ દૂર કરવાની કામગીરી વચ્ચે પહેલીવાર રેલવે બ્રિજ નીચેથી પણ સફાઈ હાથ ધરવામાં આવી છે. રેલવે તંત્ર સાથે સંકલન સાધી વર્ષોથી અસ્પર્શિત રહેલા વિસ્તારમાં શરૂ કરાયેલી આ કામગીરીને ખાડી પુર સામેના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે.

સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓમાં વર્ષોથી કચરો, અને જળકુંભી જમા થવાને કારણે વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઉભા થતા હતા. પરિણામે ભારે વરસાદ દરમિયાન ખાડીનું પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતું અને ખાડી પુરની સ્થિતિ સર્જાતી હતી. આ વર્ષે મ્યુનિસિપલ કમિશનર નાગરાજનના માર્ગદર્શન હેઠળ ખાડીની સફાઈ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  આ અભિયાનમાં ફ્લોટિંગ પોકલેન મશીનનો ઉપયોગ કરીને એવા સ્થળોએ પણ સફાઈ કરવામાં આવી રહી છે જ્યાં સામાન્ય મશીનરી પહોંચાડી શકાતી ન હતી. ખાડીઓમાંથી મોટા પ્રમાણમાં કચરો અને ગાદ દૂર કરવામાં આવતા જળપ્રવાહ વધુ સરળ બન્યો છે. ખાસ કરીને લિંબાયત, વરાછા અને ઉત્રાણ વિસ્તારમાં આવેલી ખાડીઓ પરના રેલવે બ્રિજની નીચે વર્ષોથી જમા થયેલા કચરાને દૂર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.  

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ 2 - image

અત્યાર સુધી રેલવે બ્રિજની નીચે સફાઈ કરવી સરળ નહોતી. રેલવેના સિગ્નલિંગ અને કેબલ નેટવર્ક બ્રિજની નીચેમાંથી પસાર થતા હોવાથી સુરક્ષાના કારણોસર મંજૂરી મળતી ન હતી. જોકે આ વખતે પાલિકાએ રેલવે તંત્ર સાથે સતત સંકલન સાધી જરૂરી મંજૂરી મેળવી અને સંયુક્ત દેખરેખ હેઠળ સફાઈ કામગીરી હાથ ધરી છે.  ખાડી પર આવેલા રેલવે બ્રિજના પિલરો આસપાસ વર્ષો સુધી કચરો અને ગાદ જમા થવાથી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થતો હતો. ભારે વરસાદ દરમિયાન આ અવરોધો ખાડી પુરની સ્થિતિ વધુ ગંભીર બનાવતા હતા. પહેલીવાર આ વિસ્તારોમાંથી કચરો દૂર થતાં પાણીનો પ્રવાહ સરળ બનશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે તેવી આશા છે.  

પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા પહેલાં ખાડીમાંથી તમામ મુખ્ય અવરોધો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ખાડી પુરથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં આ કામગીરીનું સકારાત્મક પરિણામ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલીવાર રેલવે બ્રિજ નીચેથી હાથ ધરાયેલી સફાઈ ઝુંબેશ ખાડી પુરની સમસ્યા ઘટાડવામાં કેટલી અસરકારક સાબિત થાય છે તે ચોમાસામાં જ ખબર પડશે.



Source link

Related Articles

Back to top button