दुनिया

નિયામી એરપોર્ટ પર આતંકી હુમલો, અંધાધૂંધ ગોળીબારમાં 11 સૈનિકો અને 2 નાગરિકના મોત | Niamey Airport Terror Attack Leaves 13 Dead Security Forces Death 22 Militants



Niamey Airport Terror Attack: નાઇજરની રાજધાની નિયામીમાં ગુરુવારે (18મી જૂન) વહેલી સવારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ નિયામી સ્થિત ડાયોરી હમાની આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. નાઇજરના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર, આ હુમલામાં 11 સૈનિકો અને બે નાગરિકોના મોત નીપજ્યા હતા, જ્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં 22 આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે.

સુરક્ષા ચોકી પાસે ટેક્સીમાં આવ્યા હતા આતંકીઓ

અહેવાલો મુજબ, આ આતંકવાદી હુમલો સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સવારે આશરે 6 વાગ્યે થયો હતો. હુમલાખોરો એરપોર્ટની મુખ્ય સુરક્ષા ચોકી (ચેકપોસ્ટ) પાસે એક ટેક્સીમાં સવાર થઈને આવ્યા હતા. ટેક્સીમાંથી ઉતરતાની સાથે જ તેમણે ત્યાં તહેનાત સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા બાદ બંને પક્ષો વચ્ચે સામસામે ભારે ગોળીબાર શરૂ થયો હતો, જે કલાકો સુધી ચાલ્યો હતો અને સમગ્ર વિસ્તાર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો હતો.

20 શંકાસ્પદોની ધરપકડ

હુમલાની ગંભીરતાને જોતાં નાઇજરની સેનાએ એરપોર્ટ સંકુલમાં એક વિશાળ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. સૈન્યની કડક કાર્યવાહીને પગલે બપોર સુધીમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી અને એરપોર્ટને સુરક્ષિત જાહેર કરાયું હતું. હાલમાં એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક અને ફ્લાઈટ્સની અવરજવર સામાન્ય રીતે શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલોનુસાર આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એરપોર્ટની આસપાસથી આશરે 20 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

5 મહિનામાં બીજો મોટો હુમલો

નોંધનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી 2026માં થયેલા એક મોટા આતંકી હુમલાના બરાબર પાંચ મહિના પછી આ બીજી મોટી ઘટના સામે આવી છે. જાન્યુઆરી મહિનામાં પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’ (IS) સાથે જોડાયેલા એક જૂથે આ એરપોર્ટ સંકુલને નિશાન બનાવ્યું હતું.

નિયામી એરપોર્ટ માત્ર નાગરિક ઉડ્ડયન માટે જ નહીં, પરંતુ નાઇજરની સૈન્ય વ્યૂહરચના માટે એક અત્યંત મહત્વપૂર્ણ લશ્કરી થાણું માનવામાં આવે છે. આ એરપોર્ટ સંકુલમાં આતંકવાદ વિરોધી દળ ‘G5 સાહેલ’ (G5 Sahel) નું મુખ્ય મથક આવેલું છે. અહીં રશિયન સૈનિકો અને આધુનિક ડ્રોન એકમો પણ તહેનાત છે. આ ઉપરાંત, આ એરપોર્ટ પર નાઇજરનો કિંમતી યુરેનિયમનો મોટો સ્ટોક પણ સંગ્રહિત કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે આતંકવાદી સંગઠનો આ સુરક્ષા કવચને ભેદવા માટે વારંવાર અહીં હુમલાના પ્રયાસો કરી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button