અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspirant Dies in Ahmedabad’s New Ranip Ahead of Exam

![]()
Ahmedabad NEET Student Died : અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે વહેલી સવારે એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટેની મહત્ત્વની NEET પરીક્ષાના માત્ર ત્રણ દિવસ પહેલા જ આ પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય તરુણે અંતિમ પગલું ભર્યું છે. તેને પોતાના એરિસ્ટો આનંદમ ફ્લેટના છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દીકરાના આ પગલાથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે.આ બનાવ અંગેની જાણ થતાં જ સાબરમતી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વિદ્યાર્થીએ કયા માનસિક દબાણ કે અન્ય કયા કારણસર આત્મહત્યા કરી તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં પોલીસે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
17 વર્ષીય વિદ્યાર્થીનું તેના જ ઘરે શંકાસ્પદ રીતે મોત થતા ભારે ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે વિદ્યાર્થી તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. વિદ્યાર્થી તાજેતરમાં જ NEETની પરીક્ષા આપી ચૂક્યો હતો અને ત્રણ દિવસ બાદ ફરી પરીક્ષા આપવાનો હતો. પરિજનોના જણાવ્યા અનુસાર, તે માનસિક રીતે સામાન્ય હતો અને તેણે પરીક્ષાને લઇને કોઈ ખાસ દબાણ પણ નહોતું. જોકે, આ અચાનક બનેલી ઘટનાએ પરિવારને આઘાતમાં મૂકી દીધો છે.
હાલ પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં વિદ્યાર્થીનું લેપટોપ કબજે કરવામાં આવ્યું છે, જ્યારે તેનો મોબાઈલ ફોન ટ્યુશન ક્લાસમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે પરિવાર, મિત્રો અને સંપર્કમાં રહેલા લોકોના નિવેદન નોંધીને મોતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઊંડી તપાસ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. એક આશાસ્પદ વિદ્યાર્થીના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.



