गुजरात

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used multiple bank accounts to avoid alimony



Vadodara News : વડોદરા શહેરના બગીખાના રોડ વિસ્તારમાં રહેતી પરણીતા 47 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે તેના પતિ અમિત શાહ સામે વિશ્વાસઘાત, ઠગાઈ અને ખોટા દસ્તાવેજોના ઉપયોગ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. 

ફરિયાદમાં પતિએ ભરણપોષણની જવાબદારીથી બચવા માટે વિવિધ વ્યક્તિઓના નામે અનેક બેંક ખાતાઓ ચલાવી નાણાકીય વ્યવહારો કર્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

ફરિયાદી અર્ચનાબેને પોલીસને જણાવ્યું છે કે વર્ષ 2011થી તેમના પતિ અમિતભાઈ શાહ, (રહે. જવાહર સોસાયટી, આર.વી. દેસાઈ રોડ, નવાપુરા) તેમને અને તેમની દીકરીને તરછોડી અલગ રહે છે. કોર્ટના આદેશ મુજબ પતિએ માસિક રૂ.10 હજાર ભરણપોષણ ચૂકવવાનું હોવા છતાં તેનાથી બચવા માટે વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન યસ બેન્કમાં અલગ-અલગ વ્યક્તિઓના નામે કુલ પાંચ ખાતાઓ હોવાનું સામે આવ્યું હતું. 

ફરિયાદ મુજબ તેમના સાસુ કલ્પનાબેન શાહનું વર્ષ 2015માં અવસાન થઈ ચૂક્યું હોવા છતાં વર્ષ 2023માં તેમના નામે KYC પ્રક્રિયા કરાવી ખાતું ચાલુ રાખવામાં આવ્યું હતું અને તેમાં ખોટી સહીઓ કરવામાં આવી હોવાનું આક્ષેપ કરાયો છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે એક્સિસ બેન્કમાં એક, કેનેરા બેન્કમાં બે તથા લક્ષ્મીવિલાસ બેન્કમાં પાંચ જેટલા બેંક ખાતાઓ હોવાનું સામે આવ્યું છે. લક્ષ્મીવિલાસ બેન્કના એક ખાતામાં દિયરના પત્નીના નામ સાથે ફરિયાદીનું નામ જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર તરીકે ઉમેરવામાં આવ્યું હોવાનું અને તે પણ તેમની જાણ બહાર તેમના દસ્તાવેજોના ઉપયોગથી કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

ફરિયાદીનો આક્ષેપ છે કે તેમના પતિએ કોર્ટ સમક્ષ માત્ર બે બેંક ખાતા અને માસિક રૂ.10 હજારની આવક હોવાનું સોગંદનામું રજૂ કર્યું હતું, જ્યારે હકીકતમાં અનેક ખાતાઓ મારફતે નાણાકીય વ્યવહારો થતા હોવાનું સામે આવ્યું છે. ભરણપોષણ ચૂકવવાની જવાબદારી ટાળવા માટે વિવિધ વ્યક્તિઓના નામે ખાતાઓ ખોલી નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું તથા મૃત સાસુના નામે ખાતું ચાલુ રાખવા ખોટી સહીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ ફરિયાદના આધારે નવાપુરા પોલીસે અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button