ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 students gets admisison in vadodara deo office admisison camp

![]()
વડોદરાઃ ધો.૧૦ની પરીક્ષા બાદ ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ડીઈઓ કચેરી દ્વારા દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ વખતે યોજાયેલા કેમ્પમાં પ્રવેશ લેવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે.
તાજેતરમાં ૩ દિવસ માટે આ કેમ્પ યોજાયો હતો અને તેમાં માત્ર ૩૬ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમને અલગ અલગ સ્કૂલમાં એડમિશન ફાળવવામાં આવ્યા હતા.જોકે ગત વર્ષે આ જ કેમ્પ થકી ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં વિવિધ સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો હતો.
આ સંખ્યામાં થયેલા ઘટાડાથી ડીઈઓ કચેરીના અધિકારીઓ પણ માથુ ખંજવાળી રહ્યા છે. કારણકે આ કેમ્પ અંગે સ્કૂલોને પણ જાણકારી આપવામાં આવી હતી.જેથી વિદ્યાર્થીઓ સુધી તેની માહિતી પહોંચી શકે.આમ છતા માત્ર ૩૬ જ વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
એક અધિકારીનું કહેવું છે કે, શક્ય છે કે, આ વર્ષે વિદ્યાર્થીઓને પોતાની જાતે જ પ્રવેશ મળી ગયો હોય. ધો.૧૦ના પરિણામ બાદ સ્કૂલોને તા.૧ થી ૪ જૂન સુધીમાં ધો.૧૧ની પ્રવેશ યાદી જાહેર કરવા માટે અને આ જ સમયગાળામાં પ્રવેશ યાદીમાં જેમના નામ હોય તેવા વિદ્યાર્થીઓ પાસે ફી ભરાવવા સૂચના આપવામાં આવી હતી.એ પછી કેમ્પનું આયોજન કરાયું હતું.


