વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth 15 21 crore presented in Standing Committee of Vadodara Corporation

![]()
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આગામી 19 જૂન, શુક્રવારના રોજ યોજાનાર છે. બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા રૂ.15.21 કરોડના વિવિધ મહત્વના કામો મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે.
સ્થાયી સમિતિ સમક્ષ ચોમાસા પૂર્વે હાથ ધરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોના ટ્રીમિંગ માટેના ખર્ચને મંજૂરી આપવાનો મુદ્દો રજૂ કરવામાં આવશે. ઉપરાંત પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી અન્ય વિસ્તારો સુધી નવી પાણીની લાઈન નાખવાના ખર્ચ અંગેના કામોને પણ મંજૂરી માટે મૂકવામાં આવશે.
આ ઉપરાંત મહીસાગર નદીમાંથી લેવામાં આવતા પાણીના જથ્થા બદલ ચૂકવવાપાત્ર રકમના મુદ્દે પણ નિર્ણય લેવાશે. શહેરમાં વિવિધ વિભાગોની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે 8 નવા વાહનોની ખરીદીનો પ્રસ્તાવ પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થવાનો છે.
શૈક્ષણિક અને જ્ઞાનલક્ષી સુવિધાઓના વિસ્તરણના ભાગરૂપે બાપોદ વિસ્તારમાં નવી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના નિર્માણનો મહત્વનો પ્રોજેક્ટ પણ એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ વિભાગોના ખર્ચ, વિકાસકાર્યો અને વહીવટી મંજૂરીઓ સંબંધિત અનેક દરખાસ્તો પર ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે.



