गुजरात

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54 કરોડ ચૂકવવા પડશે | 1039 54 crore will have to be paid by Vadodara Corporation in panam yojana



Vadodara Panam Yojana : વડોદરા કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે પાનમ યોજનાના બાકી રકમના વિવાદ અંગે રાજ્ય સરકારે કરેલા નિર્ણયની વિવાદિત દરખાસ્ત આખરે સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે ત્યારે કોર્પોરેશનની દરખાસ્તમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છે છતાં હવે કોર્પોરેશનની સ્થાયી સમિતિ રાજ્ય સરકારની ઉપરવટ જઈ શકશે નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશન પાનમ યોજનામાં ભાગીદાર હોવા છતાં પ્રજાના વેરાના પૈસા પાણી બિલ પાછળ ભરપાઈ કરવાનો વારો આવશે તેમ જાણવા મળે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પાનમ યોજના હેઠળ રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળી છે. વર્ષો જૂની બાકી રકમ પર લાગેલા વ્યાજ અને દંડની રકમ માફ કરવામાં આવતા રૂ.5233.22 કરોડની માંગણી ઘટીને રૂ.1039.54 કરોડ થઈ ગઈ છે. જોકે હવે આ રકમ 12 હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે, જેના કારણે કોર્પોરેશન પર નોંધપાત્ર આર્થિક ભારણ વધશે. આ અંગેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

દરખાસ્તમાં જણાવ્યું છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 1971થી રાજ્ય સરકારની પાનમ યોજનાનું ભાગીદાર એકમ છે. પંચમહાલ જિલ્લાના કડાણા-કેલડેઝર વિસ્તાર પાસે પાનમ નદી પર બંધ બાંધી પાણીનો સંગ્રહ કરી મહીસાગર નદી મારફતે વાસદ સુધી પહોંચાડવાની આ યોજના હેઠળ વડોદરા શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. શહેર હાલ મહીસાગર નદીના ફ્રેન્ચવેલમાંથી મળતા પાણીના જથ્થામાંથી 50 ટકા હિસ્સો આ યોજના દ્વારા મેળવે છે.

આ યોજનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જીઆઇડીસી, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ, ગુજરાત રિફાઈનરી અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ પણ ભાગીદાર છે. કોર્પોરેશન દ્વારા નિયત રકમની ચૂકવણી કરવામાં આવતી હતી, પરંતુ વર્ષ 2007માં સિંચાઈ વિભાગે વર્ષ 1997-98 સુધીના બાકી બિલો દર્શાવી વ્યાજ સહિતની માંગણી કરી હતી. એપ્રિલ-2026 સુધીમાં વ્યાજ અને દંડ સાથે આ રકમ વધીને રૂ.5233.22 કરોડ થઈ હતી. 

પાનમ યોજનાની ભાગીદારી પુનઃસ્થાપિત કરવા તેમજ વ્યાજ અને દંડ માફ કરવા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે મહત્વનો નિર્ણય લઈ વ્યાજ અને પેનલ્ટી માફ કરી માત્ર મૂળ રકમ રૂ.1039.54 કરોડને 12 હપ્તામાં ભરપાઈ કરવાની મંજૂરી આપી છે.

 સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્ત મુજબ આ રકમની ચૂકવણી કરવા, મહીસાગર નદીમાંથી પાણી મેળવવા માટેનો કરાર કરવા, રાયકા ખાતે પ્રસ્તાવિત 150 એમએલડી ઇન્ટેકવેલ મારફતે પાણી ઉપાડવા સંબંધિત કાર્યવાહી કરવા તેમજ આ તમામ પ્રક્રિયાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની મંજૂરી માંગવામાં આવી છે. દરખાસ્તમાં પાનમ યોજનામાં ભાગીદારી હોવાથી મેન્ટેનન્સ સહિતની રકમ ભરપાઈ કરી હોવાનું જણાવ્યું છે

સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં પણ જણાવ્યું છે કે પાનમ યોજનામાં ભાગીદારી હોવાથી મેન્ટેનન્સ અને અન્ય રકમ ભરપાઈ કરવામાં આવી છે. વર્ષ 2005ના અંતિમ બિલના આધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કેપિટલ કોસ્ટ તરીકે રૂ.383.88 લાખ અને ઓપરેશન-મેન્ટેનન્સ પેટે રૂ.523.44 લાખ સિંચાઈ વિભાગને ચૂકવ્યા હતા. ત્યારબાદ ઓપરેશન અને મેન્ટેનન્સ માટે દર મહિને રૂ.5.14 લાખ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મુજબ જાન્યુઆરી-2026 સુધીમાં કોર્પોરેશને અંદાજે રૂ.1285 લાખની ભરપાઈ કરી છે. 

પ્રથમ હપ્તામાં રૂ. 200 કરોડ ભરવા પડશે

રાજ્ય સરકારના ઠરાવ મુજબ રૂ.1039.54 કરોડની રકમ 12 હપ્તામાં ભરવાની રહેશે. તેમાં પ્રથમ હપ્તા તરીકે અંદાજે રૂ.200 કરોડની ચુકવણી કરવી પડશે. ત્યારબાદ બાકીની રકમ તબક્કાવાર ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી વ્યાજ અને દંડના હજારો કરોડના બોજમાંથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ પર હજાર કરોડથી વધુનું વધારાનું દબાણ સર્જાવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button