गुजरात

રાજુલા નજીક ખૂંખાર સિંહણે પરપ્રાંતીય યુવકને ફાડી ખાધો, માત્ર માથું જ મળ્યું | A ferocious lioness tore apart a migrant youth near Rajula only his head was found



– અમરેલી જિલ્લામાં પાંચ દિવસમાં બીજી ઘટનાથી ફફડાટ

– એક સિંહને ટ્રાન્ગ્યુલાઈઝ કરીને પાંજરે પૂર્યો, અન્ય સિંહોને પકડવા માટે વન વિભાગ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ

અમરેલી: અમરેલી જિલ્લામાં સિંહ-દીપડા જેવા જંગલી પ્રાણીઓનો આતંક વધવા લાગ્યો છે. ખાસ કરીને રાજુલા પંથકમાં સિંહોની વધતી જતી વસ્તી વચ્ચે માનવ પર સિંહના હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમાં આજે કોવાયા ગામે વહેલી સવારે એક પરપ્રાંતિય યુવકને સિંહણે શિકાર બનાવી ફાડી ખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

કોવાયા ગામની એક રેસ્ટોરન્ટમાં કામ કરતા ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના યુવક પર વહેલી સવારે સિંહણે હુમલો કર્યો હતો. સિંહણ યુવકને ખેંચીને બાજુની કાંટાળી ઝાડીઓમાં લઈ ગઈ હતી, જ્યાં તેને ગંભીર રીતે ફાડી ખાધો હતો. ઘટનાની જાણ થતા જ્યારે વનવિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે યુવકના મૃતદેહના માત્ર ખોપડી જેવા અવશેષો જ જોવા મળતા સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં સિંહ દ્વારા માનવ શિકારની આ બીજી ઘટના છે, જેમાં બે નિર્દોષ જીવ હોમાઈ ગયા છે.

સ્થાનિક વિસ્તારમાં સિંહોનું ૪ સભ્યોનું પરિવાર સક્રિય હોવાનું બહાર આવ્યું છે. વનવિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી એક સિંહને ટ્રાન્ગ્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવ્યો છે, જ્યારે અન્ય સિંહોને પકડવા માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે. સિંહોના માનવ હુમલાની વારંવાર બનતી ઘટનાઓને લઈને ગ્રામજનોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

– ખેતરમાંથી માનવીય અવશેષો મળી આવ્યા : જૂના સાવરમાં ખેડૂતનું શંકાસ્પદ મોત, ‘શિકાર’ બન્યાની આશંકા

– પાંચ દિવસ પહેલા વાડીમાં મિનિ ટ્રેક્ટર ચાલુ હાલતમાં બિનવારસી મળી આવ્યું હતું, પરંતુ ખેડૂતોનો કોઈ પત્તો મળ્યો નહોતો

અમરેલી: સાવરકુંડલા તાલુકાના જૂનાસાવર ગામે એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે. છેલ્લા પાંચ દિવસથી લાપતા બનેલા દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ નામના આધેડ ખેડૂતના માનવીય અવશેષો તેમની જ વાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડૂત દિલીપભાઈ પાંચ દિવસ પૂર્વે પોતાની વાડીએ ખેતીકામ માટે ગયા હતા. મોડે સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમની વાડીમાં મિનિ ટ્રેક્ટર ચાલુ હાલતમાં બિનવારસી મળી આવ્યું હતું, પરંતુ દિલીપભાઈનો કોઈ પત્તો મળ્યો નહોતો. જેથી પોલીસ અને વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા ચોંકાવનારા પુરાવા મળ્યા હતા. ખેતરમાંથી દિલીપભાઈના કપડાં અને હાડકાના ટુકડા મળી આવ્યા હતા. 

સૌથી ગંભીર બાબત એ છે કે ઘટનાસ્થળની આસપાસ વન્યપ્રાણીઓના પગલાં જોવા મળ્યા છે, જેના કારણે કોઈ હિંસક વન્યપ્રાણીનો શિકાર બન્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસે મળી આવેલા અવશેષોને ભાવનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. જેના રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. વનવિભાગ દ્વારા વિસ્તારમાં વન્યપ્રાણીની હિલચાલ પર નજર રાખવા માટે સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

– વનતંત્રના સ્ટાફ અને સાધનોમાં પણ વધારો કરવો અનિવાર્ય 

સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ આ ગંભીર ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, તે મુજબ વનવિભાગના સ્ટાફ અને સાધનોમાં પણ વધારો કરવો અનિવાર્ય છે. તેમણે આ બાબતે સરકારમાં તાત્કાલિક રજૂઆત કરી છે. બીજી તરફ, વનવિભાગના એસીએફ વિરલસિંહ ચાવડાએ લોકોને અપીલ કરી છે કે, સિંહોની અવરજવર વાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી અને કોઈપણ હિલચાલ જણાય તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવી, જેથી આવી દુખદ ઘટનાઓ નિવારી શકાય.



Source link

Related Articles

Back to top button