અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર | naroda woman files domestic violence complaint against husband and in laws

![]()
Ahmedabad Domestic Violence case: નરોડા વિસ્તારમાં બીજા લગ્ન બાદ પણ મહિલાને સાસરીનું સુખ પ્રાપ્ત ન થયું હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતત થતા ગૃહકલેશના કારણે લગ્નના માત્ર 2 વર્ષમાં જ ઘર સંસાર પડી ભાંગ્યો છે. પતિ છેલ્લા 1 વર્ષથી અન્ય મહિલા સાથે વાતચીત કરતો હતો, જે અંગે પત્નીએ પૂછપરછ કરતાં તેને ઢોર માર મારીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આખરે કંટાળીને મહિલા છેલ્લા 2 મહિનાથી પોતાના પિયરમાં રહેવા મજબૂર બની છે. આ બનાવ અંગે નરોડા પોલીસે પતિ સહિત 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડા-નિકોલ રોડ પર રહેતી 32 વર્ષની મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. જોકે, લગ્ન પહેલાં તેઓ 2 વર્ષ સુધી લીવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. લગ્નજીવનના શરૂઆતના થોડા સમય સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ છેલ્લા 1 વર્ષથી પતિ અન્ય કોઈ મહિલાના સંપર્કમાં હતો. આ બાબતે જ્યારે મહિલાએ વિરોધ કર્યો, ત્યારે પતિ અને સાસરીયાઓ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.
ત્રાસથી બચવા માટે મહિલા પતિ સાથે પોતાની માતાના ઘરે રહેવા આવી ગઈ હતી. પરંતુ, ત્યાં પણ પતિ રાત્રે મોડા આવીને ઝઘડો કરતો અને મારઝૂડ કરીને ઘરના સામાનની તોડફોડ કરતો હતો. પતિના આવા હિંસક વર્તનથી કંટાળીને મહિલા છેલ્લા કેટલાક સમયથી પિયરમાં આશરો લઈ રહી છે, જ્યારે તેનો પતિ હાલ સીટીએમ (CTM) વિસ્તારમાં તેના મિત્રના ઘરે રહે છે.



