મિડલ ઈસ્ટ શાંત થયું ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધમાં ભડકો! વર્લ્ડ હેરિટેજ સાઇટ પર હુમલામાં 9ના મોત | russia ukraine war kyiv unesco world heritage site attacked 9 dead

![]()
Russia Ukraine War: છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધે ફરી એકવાર ભયાનક વળાંક લીધો છે. સોમવારે(15 જૂન) રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક સ્થળો પર મોટા પાયે હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં પાંચ બચાવકર્મી સહિત નવ લોકોના મોત થયા છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ પર હુમલામાં 9ના મોત
રશિયા દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ કિવના ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રતીક ‘પેચેર્સ્ક લાવર મોન્ટેસરી’ (મઠ) ઝપટમાં આવી ગયું હતું. હુમલાના કારણે ત્યાં ભીષણ આગ પણ લાગી હતી.
કિવ પેચેર્સ્ક લાવરા મઠને ભારે નુકસાન
રાજધાની કિવના લશ્કરી વહીવટના વડા તીમૂર તકાચેન્કોએ એક ટેલિગ્રામ પોસ્ટમાં જાણકારી આપી કે, 1051માં સ્થાપિત અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કિવ પેચેર્સ્ક લાવરા મઠને સીધા હુમલાથી ભારે નુકસાન થયું છે.
આ હુમલા પર પ્રતિક્રિયા આપતા યુક્રેનિયન વડાપ્રધાન યુલિયા સ્વિરિદેન્કોએ X પર લખ્યું કે, ‘આ આપણા લોકો અને આપણા ઐતિહાસિક વારસા પર ક્રૂર હુમલો છે. આ રશિયાના રૂઢિચુસ્ત મૂલ્યોનો સાચો ચહેરો છે.’
સ્થાનિકોએ બંકરોમાં આશરો લીધો
સ્થાનિક રહેવાસીઓએ મઠમાંથી મોટી જ્વાળાઓ નીકળતી જોઈને ભૂગર્ભ બંકરોમાં આશરો લીધો. જૂનની શરૂઆતથી યુક્રેન પર રશિયાના આ સૌથી ઘાતક હવાઈ હુમલો માનવામાં આવે છે. જૂનના પહેલા અઠવાડિયામાં અગાઉના ડ્રોન અને મિસાઇલ હુમલામાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
યુક્રેનિયન રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સકીએ રવિવારે(14 જૂન) કહ્યું હતું કે, મેં યુએસ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે અને આ અઠવાડિયે ફ્રાન્સમાં G7 બેઠક પહેલા ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી છે તેવામાં આ નવા હુમલાઓ થયા છે.’



