રાજ્યની નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર, ગ્રીન એનર્જી અને સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રો પર વિશેષ ભાર | Gujarat Unveils Industrial Policy 2026 Focuses on Green Energy and Semiconductors

![]()
Gujarat Unveils Industrial Policy 2026: ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ ઔદ્યોગિક શક્તિ બનાવવાના મહત્વાકાંક્ષી રોડમેપ સાથે રાજ્ય સરકારે પોતાની નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ની જાહેરાત કરી દીધી છે. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે વૈશ્વિક રોકાણો આકર્ષવા, સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને રાજ્યને નવીનતા આધારિત ઔદ્યોગિક વિકાસના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.
ભવિષ્યના આધુનિક ઉદ્યોગો અને ગ્રીન ટેકનોલોજી પર વિશેષ ફોકસ
નવી ઔદ્યોગિક નીતિ-2026 અંતર્ગત પરંપરાગત ઉદ્યોગોની સાથે ભવિષ્યના આધુનિક મેન્યુફેક્ચરિંગ, વેલ્યુ એડિશન અને વૈશ્વિક વેલ્યુ ચેઇન સાથે જોડાણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નીતિમાં મહત્ત્વના ક્ષેત્રો તરીકે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી સાધનો, મોબિલિટી, ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલ, કેમિકલ્સ, હેલ્થકેર, એગ્રો-પ્રોસેસિંગ, ક્રિટિકલ મિનરલ્સ, ઈલેક્ટ્રોનિક્સ રિસાયક્લિંગ, ડ્રોન, રોબોટિક્સ અને સેમિકન્ડક્ટર સહાયક ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી નીતિના મુખ્ય લક્ષ્યો
સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવી નીતિ માત્ર ઉદ્યોગો સ્થાપવા પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી રાજ્યના અર્થતંત્રને સર્વગ્રાહી વેગ મળશે. આ નીતિનો હેતુ ભવિષ્ય માટે તૈયાર ઔદ્યોગિક માળખું ઊભું કરવું, રોજગારીની તકો વધારવી અને ટેકનોલોજીકલ નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.



