અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahmedabad beware online house cleaning service two workers steal gold jewellery in satellite area

![]()
Ahmedabad House Cleaning Service Theft: ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયાની પ્લેટફોર્મ પરથી ઘરની સાફ સફાઈ માટે હાઉસ ક્લિનિંગ સર્વિસ લેતા પહેલા સાવચેત રહેવું જરૂરી છે. ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઘરની સફાઈ કરવા માટે આવેલા બે યુવકો લોકરમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા. જેમાં તેમની સર્વિસ સોશિયલ મીડિયા દ્વારા મળેલી જાહેરાતથી બુક કરવામાં આવી હતી. આ પ્રકારની એક ઘટના અગાઉ વાડજમાં બની હતી. જેમાં પોલીસે બે યુવકોની ધરપકડ કરી હતી.
વાડજમાં પણ ઇન્સ્ટાગ્રામમાં હાઉસ કીપિંગની પ્રોફાઇલ મુકીને સોનાના દાગીના ચોરી
સેટેલાઇટ જોધપુરમાં આવેલા તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા રશ્મીબહેન શાહે ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રી મુંબઈથી વેકેશન માટે અમદાવાદ આવી હતી. જેથી તેમની ભત્રીજી વહુ એશાએ સોશિયલ મીડિયા પરથી ચામુંડા ક્લિનિંગ સર્વિસના પ્રકાશભાઈનો સંપર્ક કરીને હાઉસ કીપિંગ માટે કહ્યું હતું. જેથી બીજા દિવસે બે યુવકો ઘરની સાફસફાઈ માટે આવ્યા હતા. જેના બદલામાં 3700 રૂપિયા લીધા હતા. સાંજે આવીને રશ્મીબહેન તપાસ કરી ત્યારે સોનાના કેટલાક દાગીના લોકરમાંથી ગાયબ હતા. આ અંગે તપાસ કરતા હાઉસ ક્લિનિંગ માટે આવેલા બે યુવકો દાગીના ચોરી ગયા હતા.
થોડા દિવસ પહેલા વાડજ પોલીસે આ મોડ્સ ઓપરેન્ડીથી એક ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર કમલેશ કીર અને ગોવિંદ કીર નામના બે યુવકોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમણે પણ ઈન્સ્ટાગ્રામથી હાઉસ ક્લિનિંગ બુક કરતી કંપની દ્વારા સાફ સફાઈ માટે આવીને ચોરી કરી હતી.


