गुजरात

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા | Amreli News Young man killed in one sided love in Kadiyali village of Jafrabad taluka



Amreli Crime News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે એકતરફી પ્રેમમાં પાગલ બનેલા 23 વર્ષીય યુવકની યુવતીના પરિવારજનો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક રાજેશ લખમણભાઇ બાંભણીયા ગામની જ એક સગીર વયની દીકરી પાછળ પડ્યો હતો. યુવકને અગાઉ પણ આ બાબતે પરિવાર તરફથી કડક ઠપકો આપવામાં આવ્યો હતો, છતાં તેને યુવતીની પજવણી ચાલુ રાખી હતી. આખરે બે દિવસ પહેલા રાત્રિના સમયે રાજેશ સગીરાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ક્રોધે ભરાયેલા પરિવારજનોએ તેને પકડી લીધો હતો તેને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

ઘાતક હથિયારો વડે હુમલો

ઘટનાની વિગત એવી છે કે યુવતીના પરિવારજનોએ રાજેશને ઘરના ડેલાની અંદર બોલાવી લીધો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા પરિવારે લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો વડે તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ક્રોધમાં ડૂબેલા પરિવારે યુવકને એટલો નિર્દયતાથી માર માર્યો કે ગંભીર ઈજાઓના કારણે રાજેશે હોસ્પિટલ જતાં રસ્તામાં જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદની સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ

આ ચકચારી હત્યા કેસમાં જાફરાબાદ ટાઉન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ યુવતીના પિતા સહિત એક જ પરિવારના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઘેલાભાઇ સોલંકી, રોહિત સોલંકી, ઘેલાભાઈના પત્ની અને સગીર દીકરીનો સમાવેશ થાય છે. પોલીસે આ ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ થયેલી બોલાચાલી બાદ સમાધાન થયું હતું

સમગ્ર ઘટના અંગે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે કહ્યું છે કે મૃતક રાજેશ અગાઉથી જ દીકરીની પાછળ પડતો હતો. આશરે બે મહિના પહેલા જ્યારે આ પરિવાર ડૂંડાસ ગામે દર્શન કરવા ગયો હતો, ત્યારે પણ રાજેશ ત્યાં પહોંચી ગયો હતો. તે સમયે દીકરીના પિતાને શંકા જતાં તેમણે રાજેશને ધાક-ધમકી આપી હતી. જો કે, બંને પક્ષો એક જ ગામ અને એક જ સમાજના હોવાથી તે સમયે મામલો ઘરમેળે થાળે પાડી સમાધાન કરવામાં આવ્યું હતું.

ફોન પર વિવાદ અને હત્યા

હત્યાની રાત્રે બનેલી ઘટના વિશે પોલીસે જણાવ્યું કે, આરોપીઓ તરફથી રાજેશને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, ‘તું હવે અમારી સાથે કોઈ વ્યવહાર ન રાખતો અને મને કોઈ ધમકી ન આપતો.’ આ ફોન આવ્યા બાદ રાજેશ પોતાની મોટરસાયકલ લઈને સગીર દીકરીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં હાજર આરોપીઓએ રાજેશને ઊભો રાખ્યો અને ઘરના ડેલાની અંદર ખેંચી જઈને લાકડીઓ વડે ઘાતક હુમલો કર્યો. હુમલા બાદ જ્યારે તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઇ કરતો મદારી?

કાયદો હાથમાં ન લેવા અપીલ

આ કાળજું કંપાવી દેનારી ઘટનાએ આજે બે હસતા-રમતા પરિવારોને બરબાદ કરી દીધા છે. એક તરફ 23 વર્ષના જુવાનજોધ દીકરાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ યુવતીના પિતા સહિત આખો પરિવાર જેલ ભેગો થઈ ગયો છે. આ મામલે પોલીસે જનતાને ખાસ અપીલ કરી છે કે કોઈપણ વિવાદ કે ગંભીર બાબતોમાં કાયદો હાથમાં લેવાના બદલે તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ, જેથી આવી ઘટનાઓ પર રોક લગાવી શકાય.



Source link

Related Articles

Back to top button