ટ્રમ્પને ઝટકો : ઈરાને બહેરીન-કુવૈતમાં અમેરિકાના રડાર નષ્ટ કર્યા, સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો | iran destroys us radar bahrain satellite images increase tensions before peace deal

![]()
Iran Destroys US Radar In bahrain-Kuwait: અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી શાંતિ સમજૂતી (પીસ ડીલ) પહેલાં IRIBએ બહેરીનના માઉન્ટ અલ-દુખાન પર સ્થિત અમેરિકી રડાર સિસ્ટમની સેટેલાઇટ તસવીરો જારી કરીને તણાવ વધારી દીધો છે. આ તસવીરોમાં અમેરિકન રડાર સિસ્ટમ હુમલા બાદ તબાહ થયેલી નજર આવી રહી છે.
ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગે સેટેલાઇટ તસવીર જાહેર કરીને જણાવ્યું કે, થોડા દિવસો પહેલાં ઈરાની મિસાઈલોએ બહેરીન સ્થિત અમેરિકી રડાર સિસ્ટમને નિશાન બનાવી હતી. આ હુમલામાં માઉન્ટ અલ-દુખાન પર વ્યૂહાત્મક રીતે તહેનાત અમેરિકન સેનાનું AN/TPS-59 અર્લી વોર્નિંગ રડાર સંપૂર્ણપણે તબાહ થઇ ગયું છે.
કુવૈતમાં ASR-1000 રડાર પણ નષ્ટ
આ ઉપરાંત કુવૈતના અલી અલ-સાલેમમાં સ્થિત ASR-1000 રડારને પણ પોતાના સચોટ હુમલા દ્વારા સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવીને નષ્ટ કરી દેવામાં આવ્યું છે.
ઈરાને સેટેલાઈટ તસવીરો જાહેર કરીને અમેરિકાના એ દાવાઓ પર પણ કટાક્ષ કર્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, તેઓએ ઈરાનના તમામ હુમલા નિષ્ફળ બનાવી દીધા છે અને દુશ્મનને ધૂળ ચટાડી દીધી છે. જોકે, બહેરીનથી સામે આવેલી તાજી સેટેલાઈટ તસવીરોએ આ તમામ દાવાઓની હવા કાઢી નાખી છે. જમીની હકીકત એ છે કે અમેરિકી અર્લી વોર્નિંગ રડાર હવે માત્ર કાટમાળનો ઢેર બની ચૂક્યું છે.
આજે થશે ડીલ
આ પહેલાં શનિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી બહુપ્રતીક્ષિત ડીલ 14 જૂનના રોજ સાઈન થવાની છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે સમજૂતી થયા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તાત્કાલિક અસરથી ખોલી દેવામાં આવશે.
આ પણ વાંચો: આજે ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પર હસ્તાક્ષર પહેલા જ વિવાદોનો વંટોળ
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે, આ ડીલ એ વાતની ગેરંટી હશે કે ઈરાન ક્યારેય પણ પરમાણુ હથિયાર નહીં બનાવે. તેનાથી આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા વધશે. જોકે, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમેરિકા-ઈરાન ડીલ બે તબક્કામાં થઇ રહી છે. પ્રથમ તબક્કાની શરતો પૂરી થયા બાદ જ અંતિમ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવશે, જો અમેરિકા ડીલની શરૂઆતની શરતો નહીં માને તો ઈરાન ડીલ સાઈન નહીં કરશે.



