આજે ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પર હસ્તાક્ષર પહેલા જ વિવાદોનો વંટોળ | us iran peace framework strait of hormuz deal

![]()
Trump and Iran Move Toward Deal Amid Protests : ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પરનું સંકટ અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર છે. યુએસ અને પાકિસ્તાની નેતાઓના જણાવ્યા અનુસાર, રવિવારે શાંતિ કરારની ફ્રેમવર્ક પર સહી થવાની શક્યતા છે. જોકે, આ આશાસ્પદ ઘટનાક્રમ વચ્ચે ઈરાનમાં આંતરિક વિરોધ અને અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પના જન્મદિવસના દિવસે જ આ ઐતિહાસિક કરાર થવાની અટકળો છે, પરંતુ શું આ કરાર સ્થાયી શાંતિ લાવશે કે પછી માત્ર એક કામચલાઉ વિરામ હશે?
શાંતિ કરારનું ફ્રેમવર્ક અને તેની શરતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં 4 મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે:
સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું પુનઃનિર્માણ: ઈરાન આ મહત્વના દરિયાઈ માર્ગને તમામ જહાજો માટે ખોલી નાખશે.
નાકાબંધી હટાવવી: અમેરિકા તેના નૌકાદળ દ્વારા લાદવામાં આવેલી નાકાબંધી દૂર કરશે.
આર્થિક રાહત: અમેરિકા ઈરાનની અબજો ડોલરની ફ્રોઝન સંપત્તિ મુક્ત કરશે અને તેના ઓઈલ એક્સપોર્ટ પરના પ્રતિબંધો હટાવશે.
માઈન્સ હટાવવાની પ્રક્રિયા: આ પ્રક્રિયા તબક્કાવાર થશે, જેમાં સ્ટ્રેટનું ડિમાઇનિંગ પણ સામેલ છે, જેમાં G7 દેશો ભૂમિકા ભજવી શકે છે.
ઈરાનમાં વિરોધનો વંટોળ: ‘તડજોડ કરનારાઓ રાજીનામું આપે’
એક તરફ સરકાર શાંતિની વાતો કરી રહી છે, તો બીજી તરફ ઈરાનના કટ્ટરપંથીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેહરાનમાં વિદેશ મંત્રાલયની બહાર એકત્રિત થયેલા લોકોએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમનો આરોપ છે કે સરકાર અમેરિકા સામે ઝુકી રહી છે. મશહદ જેવા શહેરોમાં પણ “તડજોડ કરનારાઓ (Compromiser), રાજીનામું આપો” ના નારા ગુંજ્યા હતા. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ઈરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડનું વર્ચસ્વ હજુ પણ મજબૂત છે.
હવે પછીનો મોટો પડકાર: પરમાણુ બોમ્બ
અમેરિકાના અધિકારીઓના મતે, આ શાંતિ કરાર માત્ર પ્રથમ તબક્કો છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, જે આ યુદ્ધનું મુખ્ય કારણ ગણાય છે, તે કરાર પછીના 60 દિવસના ખાસ વાટાઘાટોના ગાળામાં ચર્ચાશે. અમેરિકાનું લક્ષ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું અને તેમના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના જથ્થાને નષ્ટ કરવાનું છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઈરાન તેના માટે રાજી થશે?
ટ્રમ્પ અને પાકિસ્તાને કહ્યું કે રવિવારે જ શાંતિ કરાર થશે પણ ઈરાને દાવો ફગાવ્યો
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ ટ્રમ્પની રવિવારે કરાર થવાની ટ્વીટ પર સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે કરાર પર હસ્તાક્ષર આવતીકાલે નહીં થાય, પરંતુ આગામી દિવસોમાં થઈ શકે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે હજુ પણ કરારની શરતો અને સમય અંગે બંને પક્ષો વચ્ચે મતભેદો છે.
બીજી તરફ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ અમેરિકાની શાંતિ પ્રક્રિયા અંગે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.



