આજે રાત્રે જ ઈરાન પર સૌથી મોટો હુમલો કરીશ: ટ્રમ્પની ધમકીથી હડકંપ, ખાર્ગ ટાપુ પર કબજો કરવાનું લક્ષ્ય | trump threatens iran strike tonight kharg island oil

![]()
Trump Threatens Severe Strikes on Iran Tonight: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે તેના સૌથી ખતરનાક અને વિનાશક તબક્કામાં પહોંચી ગયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સ આજે રાત્રે જ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે અને કાચા તેલના બજારમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ છે.
આજે રાત્રે મોટો હુમલો કરીશું: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર ઈરાનને ચેતવણી આપતા સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ઈરાનની સૈન્ય ક્ષમતાઓને અમેરિકાએ પહેલેથી જ પાયમાલ કરી દીધી છે. તેમણે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ આજે રાત્રે ઈરાન પર ખૂબ જ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. ઈરાનની નૌસેના, વાયુસેના, રડાર, એન્ટી એરક્રાફ્ટ ગન અને સંરક્ષણના તમામ અન્ય સ્વરૂપો, તેમની મોટાભાગની આક્રમક ક્ષમતાઓ પાયમાલ થઈ છે.
ઈરાનની કરોડરજ્જુ સમાન ‘ખાર્ગ ટાપુ’ પર કબજો કરવાની ધમકી
ટ્રમ્પની નજર માત્ર સૈન્ય હુમલા પર જ નથી, પરંતુ તેઓ ઈરાનની આર્થિક કમર તોડી નાખવા માંગે છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ભવિષ્યમાં અમેરિકા ઈરાનના મુખ્ય તેલ અને ગેસ સંસાધનો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે, જેમાં સૌથી મહત્વનો વ્યૂહાત્મક ટાપુ ‘ખાર્ગ આઇલેન્ડ’ છે.
ખાર્ગ ટાપુ એ ઈરાનના તેલ વેપારની કરોડરજ્જુ છે. અહીંથી દરરોજ આશરે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ થાય છે, જેમાંથી મોટાભાગનો હિસ્સો ચીન જાય છે. ટ્રમ્પે જણાવ્યું કે, અમે આ ઓઈલ માર્કેટ પર તે જ રીતે નિયંત્રણ મેળવીશું જેમ અમે વેનેઝુએલામાં કર્યું છે, જે અમેરિકા અને વેનેઝુએલા બંને માટે શાનદાર કામ કરી રહ્યું છે.
અમેરિકાના એરસ્ટ્રાઈક્સ: તેહરાનને શરતો માનવા અલ્ટીમેટમ
ગુરુવારે અમેરિકાની સેનાએ ઈરાનની અંદર મોટા પાયે સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ઈરાનની સર્વેલન્સ સિસ્ટમ્સ, કમ્યુનિકેશન નેટવર્ક અને એર ડિફેન્સ સાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી.
ઈરાને અમેરિકાના 18 સૈન્ય મથકો પર છોડી મિસાઈલો
અમેરિકાના આક્રમણ સામે ઈરાનની ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’એ પણ પીછેહઠ કરવાનો ઈનકાર કર્યો છે. ઈરાને ખાડી ક્ષેત્રમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર જવાબી હુમલો કર્યો છે.
ઈરાને દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના 18 સૈન્ય લક્ષ્યો પર મિસાઈલમારો કર્યો છે.
યુદ્ધ વચ્ચે પણ વાટાઘાટો: અબજો ડોલરના ફંડ પર મામલો અટક્યો
આશ્ચર્યની વાત એ છે કે એકતરફ મિસાઈલો વરસી રહી છે, તો બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પડદા પાછળ સમજૂતી માટેના સંદેશાઓની આપ-લે પણ ચાલુ છે. ટ્રમ્પે પોતે સ્વીકાર્યું કે બંને દેશો પ્રારંભિક કરાર તરફ આગળ વધી રહ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ, વાટાઘાટોમાં સૌથી મોટો અવરોધ વિદેશી બેંકોમાં ફ્રીઝ થયેલા ઈરાની નાણાંનો છે.


