મસ્જિદ અલ અક્શા વિરુદ્ધ ઈઝરાયલના કાવતરાંથી મુસ્લિમ જગતમાં રોષ, 4 મહત્ત્વપૂર્ણ ઈમારત ખાલી કરાવી | Al Aqsa Mosque Row: Israel Accused Of Evicting Four Key Buildings In Jerusalem

![]()
Al Aqsa Mosque Controversy : ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં આવેલી અલ-અક્સા મસ્જિદ, જેને ઈસ્લામનું ત્રીજું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે, તે ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ફિલિસ્તીની નિરીક્ષણ સંસ્થા અલ-કુદ્સ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂશને આરોપ લગાવ્યો છે કે, ઈઝરાયલે મસ્જિદ પરિસરમાં આવેલી ચાર મહત્ત્વની ઈમારતો ખાલી કરાવી દીધી છે. આ ઈમારતોનો ઉપયોગ જોર્ડન સમર્થિત ઈસ્લામિક વકફ દ્વારા વહીવટી અને ધાર્મિક કાર્યો માટે કરવામાં આવતો હતો.
સુરક્ષાનું કારણ આપીને કાર્યવાહીનો આરોપ
સંસ્થાના જણાવ્યા મુજબ ઈઝરાયલી અધિકારીઓએ સુરક્ષા જોખમનું કારણ આપીને આ ઈમારતોને નિશાન બનાવી છે. આરોપ છે કે, છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ઈઝરાયલી દળોએ આ સ્થળોએ દરોડા પાડ્યા, તાળા તોડી નાખ્યા અને નવા તાળા લગાવવાની મંજૂરી પણ આપી નથી. ત્યારબાદ ઈમારતોને ખુલ્લી રાખવામાં આવી અને લોકોને અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા.
કઈ ચાર ઈમારતોને કરાઈ અસર?
ખાલી કરાવવામાં આવેલી ઈમારતોમાં ઈમામ અલ-ગઝાલી ગુંબજ, દાર અલ-હદીસ અલ-શરીફ, કુબ્બત સુલેમાન અને કુબ્બત મૂસા સામેલ છે. ખાસ વાત એ છે કે, આ ચારેય ઈમારતો અલ-અક્સા પરિસરના અલગ-અલગ ખૂણાઓમાં આવેલી છે. તેથી ફિલિસ્તીની સંગઠનોનું માનવું છે કે, આ કોઈ સંયોગ નહીં પરંતુ એક સુનિયોજિત પગલું હોઈ શકે છે. અલ-કુદ્સ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂશનનો દાવો છે કે, ઈઝરાયલ આ ઈમારતો પર નિયંત્રણ મેળવવા માટે ખાલી કરાવી રહ્યો છે.
આ પણ વાંચો : જહાજો પર હુમલા બંધ કરો: ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ
અલ-અક્સા પરિસરનું ધાર્મિક મહત્વ
અંદાજે 1.44 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું અલ-અક્સા પરિસર પૂર્વી જેરુસલેમના જૂના શહેરમાં આવેલું છે. અહીં મસ્જિદો, મદરસા, પ્રાર્થના સ્થળો, ગુંબજો અને અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે. દાયકાઓ જૂના આંતરરાષ્ટ્રીય સમજૂતી કરાર મુજબ આ પરિસરનું સંચાલન અને જાળવણી મુસ્લિમ સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં આવે છે.
જોર્ડન સમર્થિત વકફ સંભાળે છે વ્યવસ્થા
1967માં પૂર્વી જેરુસલેમ પર ઈઝરાયલના કબજા બાદથી જોર્ડન દ્વારા નિયુક્ત જેરુસલેમ ઈસ્લામિક વકફ આ પરિસરની જવાબદારી સંભાળી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં વકફ અધિકારીઓએ અનેક વખત ફરિયાદ કરી છે કે, ઈઝરાયલી પ્રતિબંધોને કારણે કર્મચારીઓ માટે પરિસરમાં પ્રવેશ કરવો અને જાળવણીના કામો કરવાનું મુશ્કેલ બની રહ્યું છે.
અરબ અને મુસ્લિમ દેશોને અપીલ
એક અહેવાલ અનુસાર ફિલિસ્તીની સંગઠનોએ જોર્ડનને માત્ર નિવેદનો આપવાના બદલે અલ-અક્સાની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જ અરબ અને મુસ્લિમ દેશોને પણ આ મુદ્દાને અલ-અક્સાના ભવિષ્ય સાથે જોડાયેલા ગંભીર જોખમ તરીકે જોવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કેનેડાના સરેમાં ગોળીબાર અને આગચંપી મામલે 3 ભારતીયોને સજા, એકને તો 5 વર્ષની કેદ



