માતરના ગરમાળા ગામે નજીવી બાબતે વેપારી પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો, 5 સામે ગુનો દાખલ, 4 ઝડપાયા | Kheda Crime: 5 Booked 4 Arrested After Attack on Shopkeeper Family in Matar Girmala GIDC

![]()
Kheda Garmala GIDC Attack : ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ગરમાળા ગામની જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતી એક હિંસક ઘટના સામે આવી છે. દુકાનમાં મોરસ (ખાંડ) બાંધવા માટે કાગળ ફાડવા જેવી તદ્દન સામાન્ય બાબતમાં 5 થી 6 જેટલા અસામાજિક તત્વોએ એકસંપ થઈને, એક સ્થાનિક દુકાનદાર અને તેમના પરિવાર પર એકાએક લાકડીઓ અને ખુરશીઓ વડે હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, માતર તાલુકાના ગરમાળા ગામે દુકાન ધરાવતા પરિવાર સાથે અસામાજિક તત્વોએ સામાન્ય માથાકૂટ બાદ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હુમલાખોરોએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી, અને વેપારીના માથાના ભાગે પ્લાસ્ટિક તેમજ લોખંડની ખુરશી ફટકારી દીધી હતી, જેના કારણે યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.
બચાવવા પડેલા લોકોને પણ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી
હુમલાખોરો આટલેથી જ ન અટકતા, તેમણે પરિવારના અન્ય સભ્યોને ગડદાપાટુનો નિર્મમ માર માર્યો હતો, અને બજારમાં જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન ઈજાગ્રસ્ત યુવક અને તેના પરિવારને બચાવવા માટે વચ્ચે પડેલા સ્થાનિક લોકોને પણ હુમલાખોરોએ છોડ્યા નહોતા, અને તેમની સાથે પણ જોરદાર ઝપાઝપી કરીને માર માર્યો હતો.
આ મારામારી અને દાદાગીરીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા, અને વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે, ઘટનાની ગંભીરતાને જોતા માતર સ્થાનિક પોલીસ અને એલસીબી (LCB)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડ્યો હતો.
આ 5 આરોપીઓ સામે ગુનો દાખલ, 4 રાઉન્ડઅપ
માતર પોલીસે ભોગ બનનાર પરિવારના સભ્યો રૂપલબેન અને અર્જુનભાઈ સોલંકી (બંને ઈજાગ્રસ્ત)ના સત્તાવાર નિવેદન અને વીડિયો પુરાવાના આધારે કુલ 5 મુખ્ય આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે.
આરોપીઓના નામ :
રેશમાબાનુ દિવાન
રજ્જાકશા દિવાન
આરીફઅલી સૈયદ
મુસ્તાકશા દિવાન
નાસીરશા દિવાન
પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા – 2023 (BNS)ની વિવિધ કલમો હેઠળ રાયોટિંગ, હુમલો અને ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે એક્શન મોડમાં આવીને આ યાદીમાંથી 4 જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા છે, અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



