गुजरात

હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો આદેશ પણ ‘પાણીમાં’ | Vav Tharad News Dharnidhar Taluka Akoli villagers face severe water problem



Vav Tharad News: વાવ-થરાદ અને સરહદી વિસ્તારમાં આજે પણ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે રોષે ભરાયેલી ધરણીધર તાલુકાના આકોલી ગામની મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી. લાંબા સમયથી પાણીની તંગી વેઠી રહેલી મહિલાઓએ ખાલી માટલાં ફોડીને શાસકો અને તંત્ર સામે પોતાનો ભારે રોષ વ્યક્ત કરી બળાપો ઠાલવ્યો હતો.

મંત્રીની બેઠક માત્ર કાગળ પર સાબિત થઈ

થોડા સમય પહેલા જ પાણીના પ્રશ્નને લઈને રાજ્યકક્ષાના મંત્રી દ્વારા પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જો કે, સરહદી વિસ્તારના દ્રશ્યો જોતાં આ સૂચનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જમીની સ્તરે તંત્ર દ્વારા કોઈ જ સકારાત્મક કામગીરી કરવામાં આવી નથી. મંત્રીના આદેશ બાદ પણ અધિકારીઓની જોહુકમીને કારણે ગામ પાણીથી વંચિત છે.

‘બાળકોના હાથ ધોવા માટે પણ પાણી નથી’

ગામની મહિલાઓએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, પીવાના પાણીના અભાવે નિત્યક્રમમાં ભારે મુશ્કેલી પડી રહી છે. એક મહિલાએ આક્રોશ સાથે કહ્યું કે, ‘અમારે બાળકોને જમવાનું આપતા પહેલાં હાથ ધોવરાવવાના હોય છે, પણ જ્યારે ઘરમાં પીવાનું પાણી જ ન હોય તો બાળકોના હાથ કઈ રીતે ધોવડાવવા?’ પાણીની આ અછત હવે બાળકોના સ્વાસ્થ્ય માટે પણ મોટો ચિંતાનો વિષય બની ગઈ છે.

પશુઓ તરસ્યા અને આંગણવાડીઓ પાણી વિના કોરી

આકોલી ગામમાં પીવાના પાણીના હોજ, કુંડી અને હવાડાઓ લાંબા સમયથી કોરાધાકોડ પડ્યા છે. જેના કારણે માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ મૂંગા પશુઓ પણ પાણીના એક-એક ટીપા માટે તરસવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, ગામની આંગણવાડી અને બાળમંદિરમાં આવતા નાના બાળકો માટે પણ પીવાના પાણીની કોઈ સગવડ નથી, જેને કારણે ત્યાંના કાર્યકરો અને સ્ટાફની મુશ્કેલીઓમાં પણ અનેકગણો વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્ણય

તંત્રના બહેરા કાન, ગ્રામજનોની ઉગ્ર માંગ

સ્થાનિક ગ્રામજનો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્રના બહેરા કાને હજુ સુધી કોઈ અસર થઈ નથી. વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે નારાજગી છે. આકોલી ગામના લોકોએ તાત્કાલિક અસરથી પાણી પુરવઠો નિયમિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે.



Source link

Related Articles

Back to top button