આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની માગ | Aatapi Wonderland controversy: Demand for FIR and CBI investigation into missing investigation file

![]()
Vadodara AATAPI Wonderland : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પીપીપી ધોરણના આતાપી વન્ડરલેન્ડ પ્રોજેક્ટ સંબંધિત તપાસ ફાઈલ ગુમ થવા અથવા ચોરી થવાના મામલે એફઆઈઆર દાખલ કરવા તેમજ સમગ્ર પ્રકરણની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ સાથે વોર્ડ નં.14ના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષ 2015-16 દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીએસએફસી વચ્ચે નિમેટા ગાર્ડનના વિકાસ માટે પીપીપી મોડેલ હેઠળ એમઓયુ કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર રાઈડ્સની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2017માં જીએસએફસીના સ્થાને આતાપી વન્ડરલેન્ડ સાથે નવો એમઓયુ કરવામાં આવ્યો હતો. જોકે આતાપી વન્ડરલેન્ડ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના બે હોટલ અને મેરેજ પાર્ટી પ્લોટનું નિર્માણ કરીને એમઓયુની શરતોનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ગેરકાયદે બાંધકામો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ ફાઈલ તૈયાર કરવામાં આવી હતી. આ ફાઈલ ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીમાંથી મ્યુનિસિપલ કમિશનરના કમાટીબાગ સ્થિત કેમ્પ કચેરી-નિવાસસ્થાને ખસેડવામાં આવી હતી. રજૂઆત મુજબ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાના કાર્યકાળ દરમિયાન આ ફાઈલ ગુમ થઈ ગઈ હતી, પરંતુ તેની જાણકારી લગભગ એક વર્ષ બાદ હાલના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના કાર્યકાળ દરમિયાન બહાર આવી હતી.
કોંગ્રેસી કાઉન્સિલરે જણાવ્યું છે કે સુરક્ષા વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાથી સજ્જ કમિશનરના નિવાસસ્થાનમાંથી મહત્વની તપાસ ફાઈલ ગુમ થવી અત્યંત ગંભીર બાબત છે. છતાં આજદિન સુધી કોઈ જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. સુરક્ષા માટે જવાબદાર અધિકારી મંગેશ જયસ્વાલ સામે પણ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આતાપી વન્ડરલેન્ડ દ્વારા પીપીપી એમઓયુની વિવિધ શરતોનું પાલન કરવામાં આવ્યું નથી. વાર્ષિક બેલેન્સ શીટ અને આવકના હિસાબો રજૂ કરાયા નથી, બેંક ગેરંટી અને અન્ય નાણાકીય જવાબદારીઓનું પાલન થયું નથી તેમજ ઇન્સ્યોરન્સ, ફાયર લાઇસન્સ, સેફ્ટી અને ઇલેક્ટ્રિકલ નિરીક્ષણના પ્રમાણપત્રો પણ રજૂ કરવામાં આવ્યા નથી. ઉપરાંત, મંજૂર ફીના બદલે મનસ્વી રીતે ફી વસૂલાત થતી હોવાના પણ આક્ષેપ કરાયા છે.
કાઉન્સિલરે પૂર્વ કમિશનર દિલીપકુમાર રાણા, હાલના કમિશનર અરુણ મહેશ બાબુ અને સુરક્ષા ઇન્ચાર્જ મંગેશ જયસ્વાલને ફાઈલ ગુમ થવાના મામલે જવાબદાર ઠેરવી તેમની સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તપાસ ફાઈલ શોધી કાઢી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આતાપી વન્ડરલેન્ડને તાત્કાલિક ધોરણે બંધ રાખવાની પણ રજૂઆત કરવામાં આવી છે.



