दुनिया

પાકિસ્તાન અને રશિયા વચ્ચે મોટા કરાર : શું ભારતના દુશ્મનની નજીક જઈ રહ્યા છે પુતિન? | Russia Pakistan Sign Major Agreements on Illegal Migration & Drug Trafficking at SCO Meet 2026



Russia Pakistan Agreements SCO 2026 : મધ્ય પૂર્વ (Middle East)માં ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે પાકિસ્તાન અને રશિયા વચ્ચે એક મોટો કરાર થયો છે. આ સમજૂતીના કારણે પાકિસ્તાન અને રશિયા એકબીજાની વધુ નજીક આવ્યા છે, જેને વૈશ્વિક રાજકારણમાં ભારત માટે એક ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. રશિયા છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન સાથેના પોતાના સંબંધોને મજબૂત કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન અને રશિયાએ ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા અને ડ્રગ્સની હેરાફેરી સામે લડવા માટે મહત્વના કરારો કર્યા છે. આ પગલું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન દરમિયાન પ્રાદેશિક સહયોગ વધારવાના ઇસ્લામાબાદના પ્રયાસોનો એક ભાગ છે. આ કરાર કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક (Bishkek)માં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર કોલોકોલ્ત્સેવ વચ્ચે યોજાયેલી એક વિશેષ બેઠક દરમિયાન કરવામાં આવ્યો હતો. નકવી SCO ના ગૃહ અને જાહેર સુરક્ષા મંત્રીઓની ખાસ બેઠકમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા છે.

પાકિસ્તાન-રશિયા કરાર વિશે વિગતે જાણો

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ‘પાકિસ્તાન અને રશિયાએ ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવામાં પરસ્પર સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશો એકબીજાના દેશમાં ગેરકાયદેસર રીતે રહી રહેલા નાગરિકોની વતન વાપસી (ડિપોર્ટેશન) માટે સહયોગ વધારવા સંમત થયા છે.’ મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, ‘નશીલા પદાર્થો અને ડ્રગ્સની તસ્કરીને નાબૂદ કરવા માટે બંને પક્ષો વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ કરાર પણ કરવામાં આવ્યો છે.’ આ પ્રવાસ દરમિયાન મોહસિન નકવીએ તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનના ગૃહમંત્રીઓ સાથે પણ અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.

વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરી રહ્યા છે બંને દેશો

પાકિસ્તાન અને રશિયા પોતાની વ્યૂહાત્મક (Strategic) અને આર્થિક ભાગીદારીને સતત મજબૂત બનાવી રહ્યા છે. આ સિવાય બંને દેશો પ્રાદેશિક સ્થિરતા, સંરક્ષણ સહયોગ, ઊર્જા (એનર્જી) અને આતંકવાદ વિરોધી અભિયાનો જેવા ગંભીર મુદ્દાઓ પર એકબીજાની ખૂબ નજીક આવી રહ્યા છે. રશિયાએ પાકિસ્તાનને આતંકવાદ વિરોધી ઓપરેશનમાં મદદ કરવા માટે કેટલાક હથિયારો પણ વેચ્યા છે, જો કે તે હથિયારો ભારતને મળેલા આધુનિક હથિયારો જેટલા અદ્યતન નથી. આ ઉપરાંત, રશિયા અને પાકિસ્તાનની સેનાઓ લાંબા સમયથી સંયુક્ત સૈન્ય અભ્યાસ (યુદ્ધાભ્યાસ) પણ કરી રહી છે.

વેપાર અને ઊર્જા ક્ષેત્રે વધતો સહયોગ

છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા, પાકિસ્તાન માટે ઊર્જા (ક્રૂડ ઓઇલ અને ગેસ)નો એક મોટો સપ્લાયર દેશ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. રશિયા અને પાકિસ્તાને તેલની ખરીદીને લઈને અનેક કરારો પણ કર્યા છે, જે અંતર્ગત રશિયાએ પાકિસ્તાનને ડિસ્કાઉન્ટ (રાહત દર) કિંમતો પર કાચા તેલની સપ્લાય કરી છે. બંને દેશો વચ્ચે લાંબાગાળાના ઓઇલ સપ્લાય કરાર માટે પણ વાતચીત ચાલી રહી છે. આ સિવાય પાકિસ્તાને રશિયા પાસેથી ઘઉંની આયાત કરવા માટે પણ એક મહત્વના એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.



Source link

Related Articles

Back to top button