સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ | CID arrests then Mamlatdar of Nandod Rajpipla

![]()
વડોદરા,જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરી સરકારને ૧.૨૯ કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં નાંદોદના તત્કાલીન મામલતદારની સીઆઇડી દ્વારા ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા રાજપીપળાના નાંદોદ તાલુકાના બખર ગામે મંજૂર થયેલી જમીનની એક નોંધ અંગેની ફરિયાદની તપાસ હાથ ધરવામા આવતા ગંભીર બેદરકારી બહાર આવી હતી.એવા આક્ષેપ હતા કે, બખર ગામના સર્વે નં. ૩૩, ૩૫, ૪૧ અને ૪૨ સંબંધિત હક્કપત્રક નોંધ નં. ૫૦૪ તા. ૧૫-૦૬-૧૯૯૯થી રદ થયેલી હોવા છતા જન્મજાત ખેડૂત હોવાના બાબતે પૂરતી ચકાસણી કર્યા વિના અને કાયદાકીય જોગવાઈઓની અવગણના કરીને નોંધ નં. ૬૭૦ તા. ૧૦-૧૨-૨૦૦૮ના રોજ ગેરરીતિપૂર્વક પ્રમાણિત કરવામાં આવી હતી. આ કેસમાં નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલા દ્વારા પોતાના હોદ્દાનો દુરૃપયોગ કરી અંગત હિત માટે નોંધ પ્રમાણિત કરી હોવાની દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.
તત્કાલીન મામલતદારના આવા કૃત્યથી રાજ્ય સરકારને રૃ. ૧,૨૯,૩૯,૧૫૦નું આથક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ગઇકાલે વડોદરા સી.આઇ.ડી. ઝોનમાં ગુનો દાખલ થતા તત્કાલીન મામલતદારની રાત્રે સવા અગિયાર વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર સીઆઇડી દ્વારા આ કેસમાં અન્ય કોઈ સરકારી અધિકારી અથવા ખાનગી વ્યક્તિની સંડોવણી અંગે પણ તપાસ શરૃ કરવામાં આવી છે.
સાડા ત્રણ વર્ષ પહેલા કચ્છમાંથી નિવૃત્ત કરી દેવાયા હતા
રાજપીપળા,
આર.બી. પખાવાલાની નાંદોદ ખાતેથી બદલી થયા પછી છેલ્લે તેઓએ કચ્છ ખાતે ગુડખર અભ્યારણ્યમાં ફરજ બજાવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેઓને સામે ત્યાં ચાર્જશીટ દાખલ થઇ હતી. સાડા ત્રણ વર્ષ પહેલા તેઓને નિવૃત્ત કરી દેવાયા હતા.



