વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ | PM Modi lays foundation stone and inaugurates works worth Rs 18778 crore in Surat

![]()
Prime Minister Modi in Surat: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 24 વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે દક્ષિણ ગુજરાતને 18,778 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે. સુરતના દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાને સુરતી સ્પિરીટની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત માત્ર એક શહેર નથી પણ ‘સ્પિરીટ’ છે. એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
-રૂ.4,852 કરોડના ખર્ચે 5 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ.13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
-ભરૂચ જિલ્લામાં રૂ.894 કરોડથી વધુના 6 GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
-રૂ.7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે (પેકેજ 6 અને 7) નું લોકાર્પણ
-ભરૂચ અને વલસાડ જિલ્લામાં કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે રૂ.1,063 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
-નવસારી (ન્યૂ) ખાતે વિશ્વના સૌથી મોટા ડિજિટલ સબસ્ટેશન સહિત રૂ.4,546 કરોડના ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું લોકાર્પણ: ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી પહોંચશે ઉચ્ચ-ક્ષમતાયુક્ત વીજ પ્રવાહ
સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું
વડાપ્રધાને સુરતવાસીઓની સ્વચ્છતા પહેલ અને પર્યાવરણ સુરક્ષાના કાર્યોને પ્રેરણાદાયી ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, સુરતની આ જાગૃતિ અને સંસ્કારોને કારણે જ તે આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દેશમાં સ્વચ્છતાને સંસ્કારમાં પરિવર્તિત કરવાની જરૂર છે, કારણ કે સ્વચ્છતા અભિયાન દેશના સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે.
ઇકોનોમી અને ઇકોલોજીના સમન્વયથી ગ્રીન ગ્રોથ
PMએ વધુમાં ઉમેર્યું કે, દક્ષિણ ગુજરાતમાં માર્ગ, ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ક્ષેત્રે કેન્દ્ર સરકારના 16,968 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના 1,810 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુકાયા છે, આ પ્રોજેક્ટ્સથી ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા વધવાની સાથે પર્યાવરણીય સંરક્ષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યો હાંસલ થશે. આજે વિશ્વના દેશો પર્યાવરણ સુરક્ષા અને ‘ગ્રીન ફ્યુચર’ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે ભારત પણ ‘ઈકોનોમી’ અને ‘ઈકોલોજી’ના સમન્વય સાથે ‘ગ્રીન ગ્રોથ’ની દિશામાં અગ્રેસર છે.
A series of transformative projects in the road, power and industrial sectors are being launched from Surat today. These initiatives will drive growth and improve ‘Ease of Living’ for the people. https://t.co/vyARVIgWm6
— Narendra Modi (@narendramodi) June 5, 2026
‘રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતનો 20 ટકા હિસ્સો’
‘ગુજરાતે આ સદીના પ્રારંભે દેશમાં સૌપ્રથમ ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી અને પાટણના ચારણકામાં ભારતનો પ્રથમ સોલાર પાર્ક સ્થાપીને દેશને દિશા ચીંધી હતી. આજે ભારત વિશ્વના ટોચના 5 સોલાર એનર્જી ઉત્પાદક દેશોમાં સામેલ છે, જેમાં ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનું છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો હિસ્સો 20 ટકા જેટલો છે. પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર અપનાવી વિકાસની વાટ પકડી છે.’
‘વેસ્ટ ટુ વેલ્થ’ અભિયાનથી શહેરો હરિયાળા બન્યા’
‘છેલ્લા 12 વર્ષથી સમગ્ર દેશમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ ના ધ્યેય સાથે ‘કચરામાંથી કંચન’ એટલે કે કચરાનું સંપત્તિમાં મોટા પાયે પરિવર્તન કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન શહેરોને સાફ રાખવા અને તેમને હરિયાળા તથા સ્વચ્છ બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. વર્તમાન વૈશ્વિક સ્થિતિ અંગે વડાપ્રધાને કહ્યું કે, વર્તમાન દાયકો વિશ્વ માટે આપત્તિનો દાયકો સાબિત થઈ રહ્યો છે. કોરોના સંકટ, વિવિધ દેશો વચ્ચેના યુદ્ધો અને ઉર્જા સંકટે વિશ્વને અવ્યવસ્થામાં ધકેલ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે ઉર્જા સપ્લાય ચેનને ખોરવાવા દીધી નથી. 1.4 અબજ ભારતીયોના સામૂહિક પ્રયાસોથી દેશ દરેક સંકટનો સામનો કરી રહ્યો છે.’
સુરતની ‘સર્ક્યુલર વોટર ઈકોનોમી’ અને તાપી બેરેજ પ્રોજેક્ટ
સુરતની ‘સર્ક્યુલર વોટર ઈકોનોમી’ની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે, શહેરના વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઉદ્યોગોને વેચાણ થકી પૂરૂ પાડવાની આ પદ્ધતિ પર્યાવરણ સુરક્ષા સાથે આર્થિક ઉપાર્જનનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે આગામી સમયમાં તાપી બેરેજ પ્રોજેક્ટ દ્વારા સુરતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ જણાવી, આગામી પાંચ દાયકા સુધી શહેરને પાણીની તંગી ન પડે તેવા સુરત મનપાના આયોજનને બિરદાવ્યું હતું.
હજીરા ગ્લોબલ સેન્ટર અને ડિફેન્સ હબ બન્યું
આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્શનના ગ્લોબલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. અહીં વૈશ્વિક વ્યાપારની ઇકોસિસ્ટમ નિર્માણ પામી છે અને આર્થિક ઉજળી તકો છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, ડેડિકેટેધ ફ્રેટ કોરિડોર અને આધુનિક રેલવે નેટવર્ક દ્વારા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા છે.
દેશવાસીઓના વિકાસની ઝંખના પૂર્ણ કરવા ખાતરી
દેશના નાગરિકો અનિશ્ચિતતા, અરાજકતા અને નિરાશાને ક્યારેય પસંદ નથી કરતા, જેની સાબિતી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી છે. દેશના કરોડો નાગરિકો આગવા સંકલ્પોથી સિદ્ધિ મેળવવા પ્રતિબદ્ધ બને તે જરૂરી છે. દેશવાસીઓ બે કદમ આગળ વધશે તો પોતે ત્રણ કદમ આગળ વધવા અને દેશવાસીઓની વિકાસની ઝંખના તથા વિશ્વાસને પરિપૂર્ણ કરવા તત્પર હોવાની ખાતરી વડાપ્રધાને આપી હતી.
કનેક્ટિવિટી વધવાથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી વધશે
ગુજરાત અને દેશના ઔદ્યોગિક વિકાસમાં દક્ષિણ ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનું છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં હાઈવે કનેક્ટિવિટી વધવાથી ‘‘પઢાઈ, દવાઈ અને કમાઈ’’- શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીની તકોમાં વધારો થશે. વડાપ્રધાને ઉપસ્થિત જનમેદનીને ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સિદ્ધ કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવા આહવાન કર્યું હતું.


