અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad News Naroda GIDC Fire breaks chemical factory due to boiler explosion 2 injured

![]()
Ahmedabad News: અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. નરોડા GIDC ફેઝ-3 માં અર્બુદા કાંટા નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.
ધડાકા સાથે બોઈલર ફાટ્યું, ફેક્ટરીમાં મચી નાસભાગ
પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બોઈલર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આજુબાજુની ફેક્ટરીઓમાં કામ કરતા લોકો પણ ભયભીત થઈ ગયા હતા. બોઈલર ફાટવાના કારણે ફેક્ટરીમાં હાજર ચાર કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં ઊભેલી એક ટ્રક પણ આગની ચપેટમાં આવી ગઈ છે.
આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ સતત પ્રસરી રહી છે અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. હાલમાં ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને ચારેય તરફથી કાબૂમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે.



