‘પરિવારમાં આવુ બધુ ચાલતુ રહે…’ટ્રમ્પ સાથે ‘ઝઘડા’ વચ્ચે નેતન્યાહૂનું પહેલીવાર મોટું નિવેદન | Trump vs Netanyahu Israeli PM Downplays Phone Clash as Family Dispute

![]()
Trump vs Netanyahu: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ વચ્ચેનો વિવાદ હવે જગજાહેર થઈ ચૂક્યો છે. હાલમાં જ એક ફોન કોલ દરમિયાન ટ્રમ્પે નેતન્યાહૂને જોરદાર ઠપકો આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ અંગે ખુદ ટ્રમ્પે પણ પુષ્ટિ કરી છે કે તેઓ નેતન્યાહૂથી ભારે નારાજ હતા. જોકે, હવે આ સમગ્ર વિવાદ પર નેતન્યાહૂનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ટ્રમ્પ સાથેના આ મનદુઃખને એક ‘પારિવારિક ઝઘડા’ જેવો ગણાવ્યો છે.
સંબંધો હજુ પણ મજબૂત: નેતન્યાહૂ
ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે કોઈ પણ પ્રકારના ગંભીર મતભેદો હોવાની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચેના મતભેદો માત્ર વ્યૂહનીતિના સ્તર પર છે અને તે ખૂબ જ સામાન્ય બાબત છે. આવા તણાવ છતાં બંને દેશોના સંબંધો હંમેશાની જેમ મજબૂત છે. અમે સવારે કોઈ વાત પર અસહમત થઈ શકીએ છીએ અને બપોર સુધીમાં તે જ મુદ્દા પર સહમતીનો રસ્તો પણ શોધી કાઢીએ છીએ. ટ્રમ્પને ઈઝરાયલના સૌથી સારા મિત્ર છે અને હું દર બે દિવસે એકવાર ટ્રમ્પ સાથે વાત કરું છું.
ટ્રમ્પ કેમ ગુસ્સે થયા હતા?
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં શરૂ કરવામાં આવેલું નવું સૈન્ય અભિયાન છે. ઈઝરાયલે લેબેનોન સાથે થયેલા સીઝફાયરને બાજુ પર મૂકીને બેરૂત પર ભીષણ બોમ્બમારો શરૂ કરી દીધો હતો. ઈઝરાયલના આ પગલાથી નારાજ થઈને ઈરાને અમેરિકા સાથે સમજૂતી માટે ચાલી રહેલી વાતચીત બંધ કરવાની જાહેરાત કરી દીધી. આમ, એક મોટી ડીલ થતાં-થતાં રહી ગઈ અને તેનો તમામ ગુસ્સો ટ્રમ્પે ફોન પર નેતન્યાહૂ સામે ઠાલવ્યો હતો.
આ પણ વાંચો: હચમચાવતી ઘટના : રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો આબાદ બચાવ
‘હું ન હોત તો તું જેલમાં હોત’: ટ્રમ્પનો ગુસ્સો
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અને વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેનો આ ફોન કોલ ભારે તણાવપૂર્ણ રહ્યો હતો. ટ્રમ્પ એ હદે નારાજ હતા કે તેમણે નેતન્યાહૂને ‘કૃતઘ્ન’ અને ‘પાગલ’ સુધી કહી દીધું હતું. ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, ‘જો હું ન હોત તો તું આજે જેલમાં હોત. હું તારો જીવ બચાવી રહ્યો છું. તારી આ હરકતોના કારણે આજે દુનિયાનો દરેક વ્યક્તિ ઈઝરાયલ અને તારાથી નફરત કરે છે.’ જોકે, બાદમાં ટ્રમ્પે આ અહેવાલો સ્વીકારતા થોડું નરમ વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ ગુસ્સામાં નહીં પણ ચિંતામાં હતા.


