અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે બોટમાં લાગી આગ, બોટિંગ એક્ટિવિટી બંધ હોવાથી દુર્ઘટના ટળી | Ahmedabad News Sabarmati Riverfront Boat catches fire under Gandhi Bridge

![]()
Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે એકાએક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઈ હતી. ગાંધીબ્રિજની નીચે નદીના કિનારે પાર્ક કરીને રાખવામાં આવેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક જ ભયાનક આગ ફાટી નીકળી હતી. બ્રિજ પરથી પસાર થઈ રહેલા જાગૃત વાહનચાલકો અને નાગરિકોની નજર આગની ગંભીર લપેટો પર પડતાં જ, તેમણે ફાયરબ્રિગેડને આ અંગેની તાત્કાલિક જાણ કરી હતી. કૉલ મળતાં જ ફાયર વિભાગના 2 ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ફાયર ટીમે કાબૂ મેળવી લીધો હતો
હાલ નદીમાં બોટિંગ એક્ટિવિટી બંધ હોવાના લીધે આ બોટ ગાંધીબ્રિજની નીચે બંધ હાલતમાં પાર્ક કરેલી હતી. બોટમાં આગ એટલી ઝડપથી પ્રસરી રહી હતી કે નીચે પહોંચવામાં સમય બગડે તેમ હતો. આથી ફાયરના જવાનોએ ગાંધીબ્રિજની ઉપરથી જ બોટ તરફ પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ફાયર ટીમે આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો હતો.
આ પણ વાંચો: મહીસાગર: ગાડીના બોનેટ પર ચઢીને રીલ બનાવવી ભારે પડી, જાનમાં ભાન ભૂલેલા 7 જાનૈયાની ધરપકડ
મોટી જાનહાનિ ટળી ગઈ
સદનસીબે, બોટ લાંબા સમયથી બંધ હોવાને કારણે તેમજ ઘટના સમયે આસપાસ કોઈ લોકો હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી ગઈ છે. જો કે, આ ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાનું કારણ જાણવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી છે.



