કાર ચાલક મહિલાએ મોપેડ પર જતા ભાઇ બહેનને અડફેટે લીધા | Woman driving car hits brother sister riding moped

![]()
વડોદરા,મોડીરાત્રે કુંભારવાડા પોલીસ સ્ટેશનની સામે જ કારચાલક વૃદ્ધાએ મોપેડ પર જતા ભાઇ બહેનને ટક્કર મારતા બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
હરણી વારસિયા રિંગરોડ પર આશિષ સોસાયટીમાં રહેતી ધુ્રવી પ્રકાશભાઇ સાળવી બી.સી.એ.માં અભ્યાસ કરે છે.ગઇકાલે રાત્રે ધુ્રવી તેની માતા પૂજા, ભાઇ ધૈર્ય તથા મામા સંતોષ ધોન્ડુરાવ કદમ (રહે. બાપટ વાડી, અહીલીયા દેવી હાઇસ્કૂલ,પૂણે, મહારાષ્ટ્ર) સાથે ડિનર માટે ઘરેથી બે અલગ -અલગ ટુ વ્હિલર લઇને નીકળ્યા હતા. જ્યુબિલી બાગ પાસે ડિનર કરીને તેઓ ઘરે પરત જતા હતા. રાત્રે સાડા દશ વાગ્યે તેઓ ટુ વ્હિલર લઇને કુંભારવાડા પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે ટક્કર મારતા ધુ્રવીના મામા કારની નીચે આવી ગયા હતા અને તેના મમ્મી રોડની સાઇડ પર ફેંકાઇ ગયા હતા. અકસ્માતના પગલે ટોળું ભેગું થઇ ગયું હતું. લોકોએ કાર ઉંચી કરીને સંતોષ કદમને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત સંતોષ કદમ અને તેમના બહેન પૂજાબેનને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સંતોષ કદમને ડાબા પગના સાથળ, છાતીની પાંસળી પર ઇજા થઇ હતી. જ્યારે પૂજાબેનને જણણા હાથે અને બંને પગે ઇજા થઇ હતી.કુંભારવાડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલક રંજનબેન ભગવાનદાસ વણીકર, ઉં.વ.૬૩ (રહે. શકુંતલા સોસાયટી, અક્ષરધામની સામે,સંગમ ચાર રસ્તા પાસે, હરણી રોડ) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, ઇજાગ્રસ્ત કાર નીચે ફસાઇ ગયા હોવાછતાંય મહિલા કાર ચાલકે તેઓને ૧૫ થી ૨૦ મીટર સુધી ઢસડયા હતા.



