યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રસ્તા રોકો આંદોલન, 10થી વધુની અટકાયત | Road blockade protest in Yakutpura over contaminated water issue more than 10 detained

Vadodara : વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારના મદાર મોહલ્લાના રહીશોએ દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી આજે રસ્તા રોકો આંદોલન કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન મુખ્ય માર્ગ પર ટ્રાફિક અવરોધાયો હતો, જેના પગલે પોલીસે કાર્યવાહી કરીને 10થી વધુ લોકોની અટકાયત કરી માર્ગ વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.
રહીશોના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર-6 હેઠળ આવતા મદાર મોહલ્લામાં છેલ્લા 8 વર્ષથી ગટરમિશ્રિત દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ ગંભીર સમસ્યાને લઈને અગાઉ પણ અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીએ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.

આજે 50થી વધુ મહિલાઓ સહિત સ્થાનિકોએ યાકુતપુરાના મુખ્ય માર્ગ પર એકત્ર થઈ પાણીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ હતી કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર આવી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે.
રહીશોએ આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં તેને હજુ સુધી કાર્યરત કરવામાં આવી નથી. પરિણામે જૂની અને ખામીયુક્ત લાઈનમાંથી જ પાણીનું વિતરણ થઈ રહ્યું છે, જેના કારણે આશરે 3 હજારથી વધુ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે. અધિકારીઓ અનેક વખત સમસ્યાનો ઉકેલ લાવવાના વાયદા કરી ચૂક્યા છે, પરંતુ જમીન પર કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. રહીશોએ આરોપ લગાવ્યો હતો કે તંત્ર સમસ્યાની ગંભીરતા સમજવામાં નિષ્ફળ રહ્યું છે અને જવાબદાર અધિકારીઓ વિસ્તારની મુલાકાત લેવા પણ તૈયાર નથી.



