કુવૈત અને બહેરીન પર ઈરાનનો મિસાઈલ મારો, કેશ્મ દ્વીપ પર અમેરિકાએ કર્યો વળતો પ્રહાર | Middle East Crisis: Iran Fires Missiles at Kuwait & Bahrain US Retaliates on Qeshm Island

![]()
Middle East Crisis: મધ્ય-પૂર્વ (Middle East) માં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં જમીની સ્તરે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકન સેનાએ સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, ઈરાન દ્વારા તેના પાડોશી દેશો પર કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાને કમાન્ડે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દીધા છે.
આ સાથે જ અમેરિકાએ આક્રમક વલણ અપનાવીને પોતાની આત્મરક્ષા (Self-Defense) માં ઈરાનના કેશ્મ દ્વીપ (Qeshm Island) પર વળતો પ્રહાર કર્યો છે. ઈરાન દ્વારા કુવૈત અને બહેરીન લક્ષિત અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી, પરંતુ તેમાંથી મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી છે.
કુવૈત અને બહેરીન પર મિસાઈલ હુમલા નિષ્ફળ
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) ના સત્તાવાર નિવેદન અનુસાર, ઈરાને પ્રાદેશિક પાડોશી દેશો તરફ ઘણી બેલિસ્ટિક મિસાઈલો દાગી હતી, પરંતુ તે તમામ પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે.
કુવૈત: અહીં છોડવામાં આવેલી બે મિસાઈલો કાં તો તેના લક્ષ્યથી ચૂકી ગઈ હતી અથવા હવામાં જ તૂટી પડી હતી.
બહેરીન: બહેરીન તરફ આવી રહેલી ત્રણ મિસાઈલોને અમેરિકન અને બહેરીનની સંયુક્ત એર ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક ઓળખીને હવામાં જ તોડી પાડી હતી. સદનસીબે આ હુમલાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી.
અમેરિકાએ કેશ્મ દ્વીપને બનાવ્યું નિશાન
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે વધુમાં વિગતો આપતા જણાવ્યું કે, વળતા પ્રહાર તરીકે ઈરાનના કેશ્મ દ્વીપ અને ગોરુક (Goruk) વિસ્તારમાં આવેલા ઈરાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. અહીં ખાસ કરીને ઈરાનના રડાર સ્ટેશનો, ડ્રોન કંટ્રોલ સાઇટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવીને તેમને નષ્ટ કરવામાં આવ્યા છે.
અમેરિકાનું કહેવું છે કે, આ કાર્યવાહી માત્ર સ્વ-બચાવ હેઠળ કરવામાં આવી છે, કારણ કે ઈરાને અગાઉ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું હતું અને તે આ વિસ્તારના દરિયાઈ જહાજો માટે પણ સતત ખતરો ઊભો કરી રહ્યું છે. બીજી તરફ, ઈરાની મીડિયાએ અમેરિકાના આ વળતા પ્રહારની આકરી નિંદા કરી છે અને તેને એકતરફી આક્રમક કાર્યવાહી ગણાવી છે.



