दुनिया

યુક્રેન પર રશિયાના મિસાઇલ-ડ્રોન હુમલા : 18નાં મોત, 131 ઘાયલ | Russia’s missile drone attacks on Ukraine: 18 dead 131 injured



– ઝેલેન્સ્કીની યુએસ અને યુરોપને વધુ સહાય કરવા અપીલ

– રશિયાની ત્રણ ક્રૂઝ મિસાઇલ્સ સહિત 30 બેલિસ્ટિક મિસાઇલ્સ અને 33 ડ્રોન્સે યુક્રેનના 38 સ્થળોને નિશાન બનાવ્યા

કીવ :  રશિયાએ યુક્રેનના પાટનગર કીવ અને અન્ય શહેરો પર મધરાતથી સવાર સુધી મિસાઇલ અને ડ્રોન હુમલા કરતાં ૧૮ જણાંના મોત થયા હતા અને ૧૩૧ જણાં ઘાયલ થયા હતા. હાલ યુએસ ઇરાન સાથે યુદ્ધ કરવામાં વ્યસ્ત હોઇ યુક્રેન પાસે યુએસની એર ડિફેન્સ સિસ્ટમની અછત હોઇ તેનો લાભ લઇ પુતિને તાજેતરમાં હુમલાઓનું પ્રમાણ વધારી ઘરઆંગણે એવો સંદેશ આપ્યો છે કે ચાર વર્ષથી ચાલી રહેલાં યુદ્ધમાં તેમનો હાથ ઉપર છે.  રશિયા દ્વારા થયેલાં હુમલાઓમાં ડેનીપ્રોમાં બાર અને કીવમાં છ જણાંના મોત થયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. 

રશિયાએ ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે મોટો હવાઇ હુમલો થવાનો હોઇ વિદેશી રાજદ્વારીઓ રવાના થઇ જાય. પણ કોઇએ આ ચેતવણીને કાને ધરી નહોતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ યુએસ અને યુરોપને વધારે સહાય કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે રશિયાનો આ હુમલો દર્શાવે છે કે જો યુક્રેનનું બેલિસ્ટિક મિસાઇલથી રક્ષણ કરવામાં નહીં આવે તો આવા હુમલા ચાલુ રહેશે.  

રશિયા તેના હુમલાઓ કરવાનું છોડશે નહીં તેવા સંકેતો આપતાં પુતિને મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેને ૨૨ મેના રોજ રશિયાના અંકુશ હેઠળના યુક્રેનિયન પ્રાંત લુહાન્સ્કમાં સ્ટારોબ્લિસ્કમાં એક કોલેજ ડોર્મિટરી પર ડ્રોન હુમલો કરી ૨૧ જણાંને મારી નાંખતાં યુદ્ધનું પરિમાણ બદલાઇ ગયું છે. યુક્રેને જણાવ્યું હતું કે સ્ટારોબ્લિસ્કમાં અમે રશિયન ડ્રોન પાઇલટ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કર્યો હતો. 

યુક્રેનના હવાઇદળના જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેન પર ૭૩ મિસાઇલ્સ અને ૬૫૬ ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં મુખ્ય ટાર્ગેટ કીવ, ડેનીપ્રો અને પૂર્વીય પ્રાંતનાશહેરો પોલટાવા, ખારકિવ અને ઝાપોરીઝઝફિયાને બનાવવામાં આવ્યા હતા. યુક્રેનના એરફોર્સે ૪૦ મિસાઇલ્સને અને ૬૦૨ ડ્રોનને નકામાં બનાવી દીધાં હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે મંગળવારે કીવ,ઝાપોરીઝઝફિયા, ખારકિવ, ડેનીપ્રોપેટ્રોવસ્ક, પોલટાવા અને સુમી પ્રાંતના મિલિટરી-ઇન્ડસ્ટ્રિયલ એકમો  પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. 

યુક્રેનના જણાવ્યા અનુસાર રહેઠાણો, ઉર્જા અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચર્સને નુકશાન થયું હતું પણ લશ્કરના કોઇ થાણાંને નુકસાન થયું નથી. ત્રણ ક્રૂઝ મિસાઇલ્સ સહિત ૩૦ બેલિસ્ટિક મિસાઇલ્સ અને ૩૩ ડ્રોન્સે યુક્રેનના ૩૮ સ્થળોને નિશાન બનાવ્યા હતા. કીવમાં આ હુમલાઓમાં ચાર જણાંના મોત થયા હતા અને ત્રણ બાળકો સહિત ૭૯ લોકો ઘાયલ થયા હતા. કીવના આઠ જિલ્લાઓમાં રહેઠાણો તથા અન્ય નાગરી સુવિધાઓને નુકશાન થયું હતું. 

કીવના પોડિલસ્કી વિસ્તારમાં થયેલાં હુમલામાં ૬૫ વર્ષની ઓલેના ડેનીપ્રોવસ્કાને ઇજા થઇ હતી જ્યારે તેના પતિ ૬૪ વર્ષનો યેવહેન આ હુમલામાં ઘરની બહાર ફેંકાઇ ગયો હતો. પોતાનું ઘર નાશ પામ્યું હોઇ હવે આ દંપતી માટે રહેવાનું કોઇ ઠેકાણું રહ્યું નથી. 



Source link

Related Articles

Back to top button