વાવ-થરાદમાં ભારે પવન અને વરસાદના કારણે ત્રણ લોકોના મોત, માલસામાનને પણ મોટું નુકસાન | Three people died due to heavy winds and rain in Vav Tharad also heavy damage to property

Vav-Tharad News: વાવ-થરાદ અને ભાભર પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે અલગ-અલગ ત્રણ કમનસીબ દુર્ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી અને ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વાવના માડકા ગામે શેડ ધરાશાયી થતાં આધેડનું મોત
વાવ તાલુકાના માડકા ગામે રહેતા ભગવાનભાઈ નાગજીભાઈ પટેલ (ઉંમર આશરે 42 વર્ષ) ગત રાત્રે પોતાના પશુઓના શેડ પાસે હાજર હતા. તે દરમિયાન ફૂંકાયેલા અતિ અસહ્ય તેજ પવનના કારણે પશુઓનો આખો શેડ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં લોખંડનો ભારે એન્ગલ ભગવાનભાઈના માથાના ભાગે વાગતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. પરિવારના મોભીના આવા આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

જામપુરમાં વીજળી પડતાં મહિલા અને પશુનું મોત
બીજી તરફ, થરાદ પંથકના જામપુર ગામે પણ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. અહીં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ધનીબેન ડાયાભાઈ કટારીયા નામની મહિલા પર આકાશી વીજળી ત્રાટકી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ જ વીજળીની ચપેટમાં આવી જતાં ખેતરમાં બાંધેલી એક ભેંસનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ભાભર તાલુકામાં પણ વીજળી પડતાં માજીનું કરુણ મોત
આ કુદરતી આફતનો ભોગ ભાભર તાલુકો પણ બન્યો છે. વાતાવરણમાં આવેલા આ ભયાનક પલટા અને ભારે ગાજવીજ વચ્ચે ભાભર તાલુકામાં પણ આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા માજીનું કમનસીબ મોત નીપજ્યું છે. આ પંથકમાં એક જ રાતમાં ત્રણ-ત્રણ માનવ જિંદગી હોમાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 5થી વધુના મોત, એક બસ આગનો ગોળો બની
મોટા પાયે નુકસાન, સરકારી સર્વે અને સહાયની માંગ
આ વાવાઝોડા અને ભારે વરસાદને કારણે સરહદી પંથકમાં અનેક સ્થળોએ મકાનો અને દુકાનોના પતરાના શેડ હવામાં ઉડી ગયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે તેમજ અન્ય માળખાકીય નુકસાનના અહેવાલો પણ સતત મળી રહ્યા છે. એક જ રાતમાં માનવજીવન અને પશુધનની મોટી હાનિ થતાં સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં રોષ અને દુઃખની લાગણી છે. લોકો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નુકસાન પામેલા વિસ્તારોનો સર્વે કરવામાં આવે અને તમામ મૃતકો અને અસરગ્રસ્ત પરિવારજનોને તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે.



