गुजरात

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને ગ્રામ્યની મહિલા PSIએ ઢોર માર માર્યાનો આક્ષેપ, ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ | Visually Impaired Elderly Man Hospitalised After Alleged Police Beating in Ahmedabad



Ahmedabad News: અમદાવાદના પંચવટી વિસ્તારમાં કેબિનમાં દુકાન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ આધેડ ગોપાલ દરજીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લાવીને અમદાવાદ ગ્રામ્યની મહિલા PSI દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આંખે ન જોઈ શકતા દિવ્યાંગને પોલીસ સ્ટેશનની અંદર જ લાફા, લાતો અને દંડા વડે ફટકારવામાં આવતા ચકચાર મચી ગઈ છે. જેમાં ઈજાગ્રસ્ત થયેલા આધેડને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, જે પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર કાંડ સર્જાયો તે ગુજરાત યુનિવર્સિટી પોલીસ આ આખી ઘટનાથી અજાણ હોવાનો દાવો કરી રહી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, ગોપાલ દરજી પંચવટી નજીક સરકાર તરફથી ફાળવવામાં આવેલી કેબિનમાં દુકાન ચલાવીને પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે. બપોરના સમયે એક સગીર વયનો છોકરો તેમની કેબિન પર આવ્યો હતો. અગાઉ પણ અનેક બાળકો પેકેટ તોડી જતા હોવાથી, ગોપાલને શંકા ગઈ કે આ સગીર કંઈક તોડી રહ્યો છે. આંખે દેખાતું ન હોવાથી તેણે સગીરનો હાથ પકડવા પ્રયાસ કર્યો, જેમાં સગીરને સામાન્ય ઈજા થઈ હતી. આ બાબતની જાણ સગીરે તેના પિતાને કરતાં, પિતાએ કેબિન પર આવી ગોપાલને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. કંટ્રોલની વર્ધીના આધારે યુનિવર્સિટી પોલીસ ગોપાલને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પીડિત ગોપાલ દરજીએ જણાવ્યા હતું કે, ‘મે મારી ભૂલ સ્વીકારી સગીરના પિતા પાસે માફી પણ માંગી હતી. તેમ છતાં પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક મહિલા PSI બહારથી આવ્યા હતા અને કોઈની પણ રોકટોક વગર મારા પર તૂટી પડ્યા હતા. તેણે મનેને નિર્દયતાપૂર્વક માર માર્યો અને જ્યારે મે ફરિયાદ નોંધાવવા કહ્યું ત્યારે પોલીસે ગુનો નોંધવાનો પણ ઈનકાર કરી દીધો હતો. પોલીસના આ મારના કારણે અત્યારે મને થાપા અને બરડામાં ખૂબ દુખે છે, કાનમાંથી પાણી નીકળે છે અને આંખમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે.’

આ પણ વાંચો: મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસરી ખેસ પહેરી લે’

પોલીસ પક્ષની સફાઈ

આ ગંભીર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસ.આર. બાવાએ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘આ ઘટનામાં એવું બન્યું હતું કે, પેલા સૂરદાસ દાદાના ગલ્લે કોઈ પડીકું તોડવા બાબતે દાદાને દેખાતું ન હોવાથી તેમણે અમદાવાદ ગ્રામ્યના મહિલા પીએસઆઈ રાઠોડના નાના દીકરાને કાન પર લાફો મારી દીધો હતો. બાળકના કાનમાં વાગવાથી માતા તરીકે ઉપરાણું લઈને ગુસ્સામાં આવેલી એ મહિલા પીએસઆઈએ ત્યાં જઈને દાદાને ઝાપટ મારી દીધી હતી.’

PI એસ.આર. બાવાએ જણાવ્યું છે કે, ‘શરૂઆતમાં એ મેડમને ખબર નહોતી કે દાદા પ્રજ્ઞાચક્ષુ છે, પણ પછીથી પોલીસે તેમને જાણ કરી હતી, જેના કારણે તેમણે પણ દાદા સામે કોઈ વળતી ફરિયાદ કરી નહોતી. રાત્રે દાદાએ માત્ર એક અરજી આપી હતી પણ તેઓ ફરિયાદ કરવાની ના પાડતા હતા. તેમ છતાં, અમે દાદાને આજે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે અને જો તેઓ ખરેખર ફરિયાદ કરવા માંગતા હશે, તો અમે 100 ટકા તેમની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરીશું.’

કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા?

એક તરફ પીડિત પ્રજ્ઞાચક્ષુ આધેડ પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની અને પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હોવાની ગંભીર આપવીતી વર્ણવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલાને માત્ર ‘માતા તરીકે ગુસ્સામાં મારેલી ઝાપટ’ અને ‘આંતરિક સમાધાન’ તરફ વાળી રહી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. કાયદાના રક્ષક ગણાતા પોલીસ સ્ટેશનની અંદર જ એક દિવ્યાંગ નાગરિક સાથે થયેલું આ વર્તન હવે ચર્ચાનો વિષય બન્યું છે.



Source link

Related Articles

Back to top button