સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ, સ્ટેશનરી કીટ ન મળતા કર્મીઓનો હોબાળો | Surat Municipal Corporation Controversy first day digital census not getting stationery kit

![]()
Gujarat Digital Census: દેશની સૌપ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તીગણતરીના પ્રારંભે જ સુરતમાં વહીવટી તંત્રને ભારે વિરોધ, કર્મચારીઓની અછત અને કાયદાકીય કાર્યવાહી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. 500થી વધુ ગણતરીદારોની ઘટ વચ્ચે શરૂ થયેલી આ કામગીરીમાં પેન્સિલ-રબર જેવી સ્ટેશનરી કીટ ન મળવાનો મુદ્દો ઉઠાવી કેટલાક કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, વસ્તીગણતરીની ફરજ પર સ્ટાફ ન મોકલનારી એક ખાનગી કોલેજ સામે ‘સેન્સસ એક્ટ-1948’ ના ભંગ બદલ તંત્રને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.
સ્ટાફની અછત વચ્ચે કામગીરી
સુરત શહેરમાં અત્યાર સુધીમાં 32,714 નાગરિકોએ સ્વેચ્છાએ ‘સેલ્ફ એન્યુમરેશન’ પૂર્ણ કરી લીધી છે. જ્યારે આજથી 10,800 ગણતરીદારો અને 1,800 સુપરવાઇઝરોને મેદાનમાં ઉતારીને બ્લોક નિર્ધારણ સહિતની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, તંત્રને હજુ પણ 500થી વધુ કર્મચારીઓની અછત નડી રહી છે.
ઐતિહાસિક ડિજિટલ પ્રક્રિયાની શરૂઆત
સુરતની અંદાજિત 85 લાખની વસ્તીને આવરી લેતી વર્ષ-2027ની ડિજિટલ વસ્તીગણતરીનો આજ સોમવારથી સત્તાવાર પ્રારંભ થયો છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી યોજાઈ રહેલી આ પ્રક્રિયાના પહેલા જ દિવસે અનેક વિવાદો અને વિરોધના સૂર સામે આવ્યા છે.
પેન્સિલ-રબર મુદ્દે કર્મચારીઓનો હોબાળો
કામગીરીના પ્રથમ દિવસે કેટલાક કર્મચારીઓએ સરકાર તરફથી મળતી કીટમાં કેપ, પેન્સિલ, રબર અને નોટબુક ન હોવાનો મુદ્દો ઉઠાવી કામ કરવાની ના પાડી દીધી હતી અને કેટલાક સ્થળોએ કામ અટકાવી દીધું હતું. આ મામલે પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, સમગ્ર વસ્તીગણતરી ડિજિટલ માધ્યમથી થવાની હોવાથી તમામ વિગતો મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરમાં જ નોંધવાની રહેશે. પ્રથમ દિવસે માત્ર બ્લોક તૈયાર કરવાની મર્યાદિત કામગીરી જ કાગળ પર કરવાની હોવાથી, કીટના મુદ્દે રાષ્ટ્રીય મહત્વના કામમાં વિલંબ કરવો બિલકુલ યોગ્ય નથી.
કોલેજ સામે પોલીસ કાર્યવાહીની તૈયારી
વિવાદનો બીજો ગંભીર કિસ્સો વેસુ સ્થિત એસ.ડી.જે. ઇન્ટરનેશનલ કોલેજનો સામે આવ્યો હતો, જ્યાં વસ્તીગણતરી માટે નિયુક્ત કરાયેલા સ્ટાફ હાજર ન થતાં તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. વસ્તીગણતરી અધિકારીઓએ પીપલોદ પોલીસ મથકને લેખિત જાણ કરીને સંસ્થાના જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી હતી.
તંત્રનું કડક વલણ અને પ્રશ્નાર્થ
પોલીસ ફરિયાદની જાણ થતાં જ કોલેજ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને કર્મચારીઓને ફરજ પર મોકલવાની બાહેધરી આપી હતી, જેના પગલે હાલ પૂરતી કાયદાકીય કાર્યવાહી સ્થગિત રખાઈ છે. જો કે, રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં બેદરકારી દાખવનાર સંસ્થાઓ સામે તંત્ર ભવિષ્યમાં વધુ કડક પગલાં ભરી શકે છે. આમ, સુરતમાં દેશની પ્રથમ ડિજિટલ વસ્તીગણતરી શરૂ તો થઈ છે, પરંતુ પહેલા જ દિવસના વિવાદોએ તંત્રની સજ્જતા અને કેટલીક સંસ્થાઓની જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.



