પશ્ચિમ રેલવે અમદાવાદનો વર્ષ 2026માં રેકોર્ડ : માલસામાન ભાડાની આવક ₹ 517.34 કરોડને પાર | Ahmedabad Railway Division Earns Record Freight Revenue Of Rs 517 Crore Plus In May 2026

Ahmedabad Railway Division Earns Record Freight Revenue : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ઓપરેશનલ ડિપાર્ટમેન્ટે મે 2026ના મહિનામાં માલસામાન લોડિંગ, આવક નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને પેસેન્જર સેવાઓના મોરચે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઘણા નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. પશ્ચિમ રેલવે અમદાવાદને વર્ષ 2026માં માલસામાન ભાડાની આવક રૂપિયા 517.34 કરોડને પાર પહોંચી ગઈ છે.
નાણાકીય અને માલસામાન લોડિંગની મુખ્ય વિશેષતાઓ
આવકમાં રેકોર્ડબ્રેક વધારો : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને મે 2026 માં 517.34 કરોડ રૂપિયાની માલસામાન ભાડાની (Freight Revenue) જંગી આવક મેળવી છે. આ મહિના દરમિયાન કુલ 3.93 મિલિયન ટન (MT) માલસામાનનું લોડિંગ કરવામાં આવ્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાના 3.83 મિલિયન ટનની સરખામણીએ 2.6% નો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ 2639.48 વેગનનું લોડિંગ થયું હતું.
મુખ્ય ચીજવસ્તુઓ (Commodities) : મે 2025 ની સરખામણીમાં ઘણી મુખ્ય વસ્તુઓના લોડિંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં મીઠું (ઔદ્યોગિક મીઠા સહિત) માં 31.53%, ખાતરમાં 13.02% અને અન્ય વસ્તુઓમાં 22.64% નો વધારો નોંધાયો છે.
ગાંધીધામ ક્ષેત્ર મોખરે : માલસામાન લોડિંગની બાબતમાં ગાંધીધામ ક્ષેત્ર સૌથી આગળ રહ્યું છે, જ્યાં દરરોજ સરેરાશ 1936.97 વેગનનું લોડિંગ કરવામાં આવ્યું હતું.
‘કચ્છથી કાશ્મીર’ બિઝનેસ ડેવલપમેન્ટ પહેલ
બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) ના સક્રિય પ્રયાસોથી ગાંધીધામ ક્ષેત્રે લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. 5 મે 2026 ના રોજ, ડિવિઝને ‘કચ્છ-ટુ-કાશ્મીર’ માલસામાન પરિવહન પહેલ હેઠળ 20 BCN વેગનમાં ભીમાસરથી બારી બ્રાહ્મણ અને અનંતનાગ માટે ખાદ્ય તેલનો પ્રથમ જથ્થો સફળતાપૂર્વક રવાના કર્યો હતો.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઓપરેશનલ ક્ષમતા
નવી વાય-કનેક્ટિવિટી (Y-Connectivity) : ચાંદખેડા-ગાંધીગ્રામ વાય-કનેક્ટિવિટી શરૂ થયા બાદ પ્રથમ વખત આ રૂટ પર ટ્રેનોનું સંચાલન શરૂ થયું છે. 29 મે 2026 ના રોજ ટ્રેન નંબર 09257 એ ગાંધીગ્રામ (GG) થી ચાંદખેડા રોડ વચ્ચે પ્રથમ સફળ સફર ખેડી હતી.
લોન્ગ હોલ અને ક્રેક ટ્રેનો : અમદાવાદ ડિવિઝને આ મહિને રેકોર્ડબ્રેક 149 લોન્ગ-હોલ ટ્રેનો ચલાવી હતી, જે મે 2025ની 28 ટ્રેનોની સરખામણીએ 432.14% નો જંગી વધારો દર્શાવે છે. આ સાથે જ મહિના દરમિયાન 1720 ક્રેક ટ્રેનોનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું.
અડચણો દૂર કરાઈ : રેલવે વ્યવહારને વધુ સુગમ બનાવવા માટે 4 મુખ્ય અવરોધોને કાયમી ધોરણે દૂર કરાયા છે. જેમાં રોડ અંડર બ્રિજ (RUB) ના માધ્યમથી રાધનપુર-પીપલી સેક્શન વચ્ચે લેવલ ક્રોસિંગ (LC) 101 ને હટાવવું અને સનોસરા-નલિયા સેક્શનમાં બ્રિજ નંબર 331 અને 337 પર સ્પીડ લિમિટ હળવી કરીને ટ્રેનની ગતિ 70 કિમી પ્રતિ કલાક કરવી સામેલ છે.

મુસાફર અને કોચિંગ ટ્રેનોની ભવ્ય સફળતા
સમયપાલનબદ્ધતા (Punctuality) માં સુધારો: મેલ અને એક્સપ્રેસ ટ્રેનો સમયસર દોડાવવાના દરમાં નોંધપાત્ર સુધારો થયો છે. ટ્રેનોની પંક્ચ્યુઆલિટી મે 2025 ના 91.06% થી વધીને મે 2026 માં 93.12% પર પહોંચી ગઈ છે.
વધારાના કોચ જોડવામાં આવ્યા : મુસાફરોના ભારે ઘસારા અને ભીડને ધ્યાનમાં રાખીને વિવિધ ટ્રેનોમાં કુલ 434 વધારાના કોચ જોડવામાં આવ્યા હતા.
નવી ટ્રેનોની શરૂઆત : 23 મે 2026 ના રોજ ટ્રેન નંબર 19403/19404 ભુજ-દિલ્હી-ભુજ દૈનિક (Daily) એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેની નિયમિત સેવાઓ પણ 23 મે 2026 થી જ શરૂ થઈ ગઈ છે. આ સિવાય, આ જ મહિનામાં ટ્રેન નંબર 19559/19560 ઓખા-તિરુપતિ સાપ્તાહિક (Weekly) એક્સપ્રેસ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવી છે.
ટ્રેનોનું વિસ્તરણ (Extension) : મુસાફરોની સુવિધા માટે ટ્રેન સંખ્યા 20485/20486 જોધપુર-સાબરમતી-જોધપુર એક્સપ્રેસને 22 મે 2026 થી જેસલમેર (JSM) સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન સેવાઓનું નિયમિતકરણ : સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ (DEMU) સેવા (ટ્રેન નંબર 09259), જે અગાઉ ‘ટ્રેન ઓન ડિમાન્ડ’ (TOD) તરીકે દોડતી હતી, તેને 12 મે 2026 થી નિયમિત ટ્રેન નંબર 79457 માં ફેરવી દેવામાં આવી છે.

પશ્ચિમ રેલવેની પ્રગતિમાં મહત્વનું યોગદાન
અમદાવાદ ડિવિઝને માલસામાન અને મુસાફરોના પરિવહન, રેલવે સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ ઓપરેશનલ ક્ષમતાના ક્ષેત્રમાં અસાધારણ પ્રદર્શન કરીને પશ્ચિમ રેલવેની એકંદર પ્રગતિમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.



