ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી અને જમાઈ બન્યા જામનગરના મહેમાન, લોખંડી સુરક્ષાનો મસમોટો કાફલો! | Donald Trump’s Daughter Tiffany Trump Visits Vantara in Jamnagar with Michael Boulos

![]()
Donald Trump Daughter Visits Vantara in Jamnagar: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ એક વિશેષ વિમાન મારફતે જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના આગમનને પગલે જામનગર એરપોર્ટથી લઈને મોટીખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ સંકુલ સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ સ્તરનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, તેઓ વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લેવાના છે.
એરપોર્ટથી મોટીખાવડી સુધી કડક બેરિકેટિંગ અને સુરક્ષા
ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસની મુલાકાતને સુરક્ષિત રાખવા માટે જામનગર શહેર પોલીસ તેમજ અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર જોવા મળી હતી. તેમના કાફલામાં અત્યાધુનિક બુલેટપ્રૂફ સુરક્ષા વાહનો, પાયલટ જીપ અને વિશેષ પોલીસ એસ્કોર્ટ વાહનોનો સમાવેશ કરાયો હતો. વીવીઆઈપી કાફલો સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે એરપોર્ટથી મોટીખાવડી સુધીના સમગ્ર માર્ગ પર વ્યાપક બેરિકેડીંગ કરવામાં આવ્યું હતું. કાફલો પસાર થવાના સમયે થોડી મિનિટો માટે સામાન્ય વાહન વ્યવહાર રોકી દેવાતા ખંભાળિયા રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
રિલાયન્સના ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’ની લેશે મુલાકાત
મળતી માહિતી અનુસાર,ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ જામનગર નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લેવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ વનતારામાં દેશ-વિદેશના વિવિધ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળશે. આ ઉપરાંત વનતારામાં વન્યજીવોના સંવર્ધન, પુનર્વસન અને મેડિકલ કેર ક્ષેત્રે ચાલી રહેલી અત્યાધુનિક અને વૈશ્વિક સ્તરની કામગીરી અંગે તેઓ તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવશે.
ઉલ્લેખનીય છેકે, ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસની મુલાકાતને પગલે રિલાયન્સ ગ્રીન્સ સંકુલ તેમજ વનતારા કેન્દ્રની આસપાસ પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે.



