780 ચો. કિ.મી.માં ફેલાયેલું અમદાવાદથી પણ મોટું એરપોર્ટ… 16 વર્ષે તૈયાર થયું અને ખર્ચ થયો ₹19,000 કરોડ | king fahd international airport facts

King Fahd International Airport: The World’s Largest Airport Explained | એરપોર્ટની વાત નીકળે ત્યારે સામાન્ય રીતે આપણા મનમાં વિમાનોની અવરજવર અને ટર્મિનલની ભીડના દૃશ્યો જ સામે આવે છે. પરંતુ શું તમે ક્યારેય એવા એરપોર્ટની કલ્પના કરી છે, જે કદમાં કોઈ સામાન્ય ટ્રાન્સપોર્ટ હબ નહીં, પણ એક આખેઆખા મેટ્રો સિટી જેટલું મોટું હોય? સાઉદી અરેબિયામાં આવેલું ‘કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ એક એવું જ એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે, જેની તુલનામાં દુનિયાના અનેક શહેરો નાના લાગે. આ એરપોર્ટ માત્ર મુસાફરીનું કેન્દ્ર નથી, પરંતુ આધુનિક ટેકનોલોજી, અદભુત ઓટોમેશન અને દેશની આર્થિક સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે.
કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ: વિશ્વના મોટા શહેરો સાથે તુલના
સાઉદી અરેબિયાના દમ્મામ શહેરમાં આવેલું ‘કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ (King Fahd International Airport) વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ છે. આ એરપોર્ટ કુલ 780 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ આંકડો કેટલો મોટો છે તેની કલ્પના તમે એ વાત પરથી કરી શકો છો કે, આ એરપોર્ટ આપણા અમદાવાદ (505 ચોરસ કિ.મી.) અને મુંબઈ (603 ચોરસ કિ.મી.) કરતા પણ મોટું છે. ઐતિહાસિક શહેર આગ્રાનો કુલ વિસ્તાર માત્ર 121 ચોરસ કિ.મી. છે, એટલે કે આ એરપોર્ટ આગ્રા શહેર કરતાં આશરે 6 ગણું મોટું છે! એટલું જ નહીં, અમેરિકાનું સૌથી મોટું આર્થિક કેન્દ્ર ગણાતું ન્યૂ યોર્ક શહેર પણ 778.2 ચોરસ કિ.મી.ના વિસ્તાર સાથે આ એરપોર્ટ કરતાં કદમાં નાનું છે.
વિશાળ જમીન અને આંતરિક સુવિધાઓનું માળખું
રસપ્રદ વાત એ છે કે આ એરપોર્ટના કુલ વિસ્તારમાંથી મુખ્ય એરપોર્ટ બિલ્ડિંગ માત્ર 36.8 ચોરસ કિમી વિસ્તાર રોકે છે. બાકીની વિશાળ જમીન એરપોર્ટ સત્તામંડળ હસ્તક છે, જેનો ઉપયોગ ભવિષ્યના વિસ્તરણ અને વિશિષ્ટ સુવિધા માટે કરાયો છે. આ એરપોર્ટમાં ત્રણ ટર્મિનલ કાર્યરત છે. 6 માળના અત્યાધુનિક ‘પેસેન્જર ટર્મિનલ’ ઉપરાંત, સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય ઓઈલ કંપની માટે એક ખાસ ‘અરામકો ટર્મિનલ’ અને વીઆઈપી મહેમાનો માટે એક વૈભવી ‘રોયલ પેવેલિયન’ પણ અહીં ઉપલબ્ધ છે. ફ્લાઇટ્સની અવરજવર સરળ રહે તે માટે અહીં 4 કિ.મી. લાંબા અને 60 મીટર પહોળા એવા 2 સમાંતર રનવે છે.

ખાડી યુદ્ધ વખતે લશ્કરી એરબેઝ તરીકે ઉપયોગ
આ ભવ્ય અને મહાકાય એરપોર્ટનું નિર્માણ કાર્ય વર્ષ 1983 માં શરૂ કરાયું હતું. તેનું મૂળભૂત માળખું વર્ષ 1990 ના અંત સુધીમાં તૈયાર થઈ ગયું હતું, પરંતુ 1991માં જ્યારે ખાડી યુદ્ધ શરૂ થયું, ત્યારે અમેરિકા અને સાથી દેશોએ આ એરપોર્ટનો ઉપયોગ સૈન્ય એરબેઝ તરીકે કર્યો હતો.
16 વર્ષનો સમય અને ₹19,000 કરોડનો ખર્ચ
ખાડી યુદ્ધ વખતે પણ આ એરપોર્ટનું નિર્માણ કાર્ય જારી રહ્યું હતું. તેના વિશાળ કદ અને જટિલ ડિઝાઇનને કારણે તેને પૂર્ણ થવામાં આશરે 16 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો. આખરે 28 નવેમ્બર 1999ના રોજ આ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સત્તાવાર રીતે ખુલ્લું મૂકાયું. તે સમયે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે $2 બિલિયનનો ખર્ચ થયો હતો, જે આજના ભારતીય ચલણ અને મોંઘવારીના સંદર્ભમાં જોઈએ, તો આશરે રૂ. 19,000 કરોડ જેટલી માતબર રકમ થાય છે. એરપોર્ટનું નામ સાઉદી અરેબિયાના પૂર્વ રાજા ફહદ બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદ પરથી રખાયું છે.
ટ્વિન ટાવર્સના આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન
આ એરપોર્ટની ડિઝાઇન ન્યૂ યોર્કના પ્રખ્યાત ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ (ટ્વિન ટાવર) ની ડિઝાઇન તૈયાર કરનાર સુપ્રસિદ્ધ જાપાનીઝ-અમેરિકન આર્કિટેક્ટ મિનોરુ યામાસાકી દ્વારા કરાઈ હતી. તેમણે આ એરપોર્ટમાં આધુનિક ટેકનોલોજીની સાથે પરંપરાગત ઇસ્લામિક સ્થાપત્ય કલાનું અદભુત મિશ્રણ કર્યું છે.
કાર પાર્કિંગની છત પર 2000 લોકોની ક્ષમતાવાળી મસ્જિદ
દુનિયાના મોટા ભાગના એરપોર્ટની અંદર નાના પ્રાર્થના ખંડ હોય છે, પરંતુ કિંગ ફહદ એરપોર્ટ પરિસરમાં એક આખી સ્વતંત્ર અને ભવ્ય મસ્જિદ બનાવવામાં આવી છે. આ મસ્જિદ એરપોર્ટના મલ્ટી-લેવલ કાર પાર્કિંગની છત પર બનાવાઈ છે, જેમાં એકસાથે 2,000 જેટલા શ્રદ્ધાળુઓ નમાઝ અદા કરી શકે છે. મુસાફરો મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગમાંથી એર-કંડિશન્ડ અને મુવિંગ વોકવે વાળા ખાસ બ્રિજ દ્વારા સીધા જ આ મસ્જિદ સુધી પહોંચી શકે છે.
આ મહાકાય એરપોર્ટની પોતાની જ નર્સરી છે
રણ પ્રદેશની વચ્ચે આટલા મોટા એરપોર્ટને લીલુંછમ રાખવા માટે એરપોર્ટ સત્તામંડળ પોતાનું એક સ્વતંત્ર પ્લાન્ટ નર્સરી નેટવર્ક (Plant Nursery) ચલાવે છે, જે આશરે 215,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ નર્સરીમાં દર વર્ષે લાખો છોડ અને સુશોભનના વૃક્ષો ઉગાડવામાં આવે છે, જેનો ઉપયોગ એરપોર્ટના આંતરિક બગીચાઓ અને આસપાસના લેન્ડસ્કેપિંગને સુંદર રાખવા માટે થાય છે.
એરપોર્ટનું સંચાલન અને કાર્ગો ક્ષમતા
આ વિશાળ એરપોર્ટના રોજિંદા વહીવટ અને કામગીરીનું સંચાલન દમ્મામ એરપોર્ટ કંપની (Dammam Airports Company) દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવે છે. વર્તમાન સમયમાં આ એરપોર્ટ વાર્ષિક આશરે 1.2 કરોડ મુસાફરોની અવરજવરનું સંચાલન કરે છે. માત્ર મુસાફરો જ નહીં, પરંતુ વૈશ્વિક લોજિસ્ટિક્સ માટે પણ આ એરપોર્ટ ખૂબ મહત્ત્વનું છે. વર્ષ 2015 માં અહીં 39,500 ચોરસ મીટરનો વિસ્તાર ધરાવતું બે માળનું વિશાળ કાર્ગો બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું હતું, જે હાલમાં વાર્ષિક 94,000 ટન જેટલા માલસામાનનું સરળતાથી વહન અને મેનેજમેન્ટ કરી રહ્યું છે. વિશ્વના અનેક શહેરો કરતાં મોટું એવું આ ‘કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ વેપાર અને પ્રવાસનની દૃષ્ટિએ સાઉદી અરેબિયાની કરોડરજ્જુ સાબિત થયું છે.



