વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent for Alzheimer disease in america

![]()
વડોદરાઃ મૂળ વડોદરાના અને અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતા સંશોધક અને તેમની ટીમને અલ્ઝાઈમરની બીમારી માટે વિકસાવેલી દવાને અમેરિકામાં પેટન્ટ એનાયત કરવામાં આવી છે.
સંશોધક ઈશાન શાહે શહેરની બ્રાઈટ સ્કૂલમાં અભ્યાસ બાદ આણંદની એસપી યુનિવર્સિટીમાંથી ફાર્મસીની ડિગ્રી અને એ પછી અમેરિકાની ટોલેડો યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.ત્યારબાદ કેન્સાસ યુનિવર્સિટીમાંથી ૨૦૧૬માં પીએચડી કર્યું હતું.એ પછી તેઓ બોસ્ટનની કંપનીમાં સંશોધક તરીકે કેટલાક વર્ષોથી અલ્ઝાઈમરની દવા શોધવા માટે કામ કરી રહ્યા છે. તેમને અને તેમની ટીમને હવે નોંધપાત્ર સફળતા મળી છે.જેના કારણે અત્યારે આ દવાની પહેલા સ્ટેજની ક્લિનિકલ ટ્રાયલ પણ શરુ કરવામાં આવી છે.
ઈશાન શાહનું કહેવું છે કે, મગજમાં ઉત્પન્ન થતું ટાઉ નામનું પ્રોટિન વધારે માત્રામાં જો મગજના એક જ હિસ્સામાં એકત્રિત થાય તો અલ્ઝાઈમર જેવી બીમારી થતી હોય છે.અમે જે દવા વિકસાવી છે તે શરીરમાં ગયા બાદ એવી એન્ટી બોડી તૈયાર કરે છે જે ટાઉ પ્રોટિનને મગજમાં એક જ જગ્યાએ એકત્રિત થવાથી તો રોકે જ છે, સાથે સાથે મગજના કોષોને તેના કારણે થતા નુકસાનને પણ અટકાવે છે.અલ્ઝાઈમરની સાથે સાથે તે મગજના બીજા રોગોની સારવાર માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
બ્રેસ્ટ કેન્સરની સારવાર માટેની જીન થેરાપીને પણ પેટન્ટ
ઈશાન શાહની ટીમને અન્ય એક પેટન્ટ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટેની જીન થેરાપી માટે પણ મળી છે.તેમના જણાવ્યા પ્રમાણે બેસ્ટ કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચે ત્યારે કેન્સરગ્રસ્ત કોષો લોહી મારફતે દર્દીના મગજમાં પહોંચતા હોય છે અને તેનાથી ટયુમર થાય છે.અમે જીન થેરાપી થકી દર્દીના શરીરમાં બિન હાનિકારક વાયરસ મારફતે ચોક્કસ પ્રકારના જેનેટિક મટિરિયલને દાખલ કર્યું હતું.આ મટિરિયલ દર્દીના કોષોને કેન્સર સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે મદદ કરે છે.આ સંશોધનને પ્રાથમિક તબક્કે મળેલી સફળતા બાદ તેની પણ પહેલા સ્ટેજની ક્લિનિકલ ટ્રાયલ શરુ કરાઈ છે.



