અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કતારો | Adhik Maas Purnima: Devotees Throng Temples Across Gujarat for Special Darshan

![]()
Adhik Maas Purnima: ગુજરાતભરમાં આજે અધિક (પુરુષોત્તમ) માસની પવિત્ર પૂર્ણિમાના અવસરે આધ્યાત્મિક અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે લાખો માઇભક્તો અને શ્રદ્ધાળુઓનું ભવ્ય ઘોડાપૂર ઉમટ્યું છે. વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, શણગાર અને મનોરથના આયોજન સાથે સમગ્ર વાતાવરણ જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.
‘જય અંબે’ના નાદથી ગુંજ્યું અંબાજી મંદિર
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અધિક માસ જેઠ મહિનાની પવિત્ર પૂનમના દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મા અંબાના દર્શનનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓની કિલોમીટરો લાંબી લાઈનો લાગી હતી. અંબાજી મંદિર પરિસરમાં “બોલ મારી અંબે, જય જય અંબે” ના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા હતા, અને ભાવિકોએ માના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
યાત્રાધામ ડાકોરમા રણછોડરાયના દર્શન કરવા ભક્તોની ભીડ
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ ધામ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા ભક્તોની ભીજ જોવા મળી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ કતારબદ્ધ થઈને પ્રભુના દર્શન કર્યા હતા, જેના કારણે સમગ્ર ડાકોર નગરી “જય રણછોડ” ના નાદ સાથે ભક્તિના રંગમાં રંગાઈ ગઈ હતી. ભક્તોની અસાધારણ ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર તેમજ પવિત્ર ગોમતી તળાવના કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે જ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
શામળાજીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો ભવ્ય ‘કેરી મનોરથ’
અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમાના પાવન અવસરે આજે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પુરુષોત્તમ (અધિક) માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના અને દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી ધામ પહોંચ્યા હતા. ભગવાન શામળિયાના નિજ મંદિરને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે.
પૂનમના પવિત્ર દિવસે મંદિરમાં પરંપરાગત રીતે ભવ્ય ‘કેરી મનોરથ’ની ઉજવણી કરાઈ રહી છે, જે દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર પરિસર “જય શામળિયા” ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં ગોમતી સ્નાન અને કીર્તિ સ્તંભ સુધી લાઈનો
દ્વારકાધીશની નગરીમાં અધિક માસની પૂનમે ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરૂં પુણ્ય હોઈ, ભક્તો વહેલી સવારે જ નદી કાંઠે પહોંચ્યા હતા. જગત મંદિરના દર્શન માટે ભક્તોએ છપ્પન સીડીથી લઈને કીર્તિ સ્તંભ સુધી લાંબી લાઈનો લગાવી હતી. ગોમતી નદીના કાંઠે મહિલા શ્રદ્ધાળુઓએ પરંપરાગત રીતે ભગવાન પુરુષોત્તમજીની પૂજા-અર્ચના કરી પવિત્ર નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.
વાવ-થરાદમાં ધરણીધર ભગવાનના ચરણોમાં હજારો શ્રદ્ધાળુઓ નતમસ્તક
વાવ-થરાદ વિસ્તારના ધરણીધર તાલુકાના ઐતિહાસિક યાત્રાધામ ઢીમા ખાતે બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં પણ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે.
સ્થાનિક લોકવાયકા અને પરંપરા મુજબ, કોઈ પણ શ્રદ્ધાળુ હિન્દુ ધર્મના ચારધામની જાત્રા પૂરી કર્યા પછી જ્યાં સુધી ઢીમા આવીને ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ન નમાવે, ત્યાં સુધી તેની ચારધામની યાત્રા અધૂરી ગણાય છે. દર પૂનમે અહીં લાખો ભક્તો આવે છે, પરંતુ વર્ષની ચાર મુખ્ય પૂનમોમાં અહીં જનમેદનીની કોઈ સીમા રહેતી નથી. શામળિયા ધરણીધર ભગવાનના મુખ્ય મંદિરની બિલકુલ આગળના ભાગે આવેલા પૌરાણિક મંદિરનો પણ ભક્તોમાં આજે એટલો જ મહિમા જોવા મળી રહ્યો છે.



