જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત, પરિવારના PG માલિક પર ગંભીર આરોપ | Ahmedabad student Dhwanit Rajdeep death who was missing since May 14 in Georgia Europe

![]()
Ahmedabad Medical Student Dhvanit Missing: વિદેશમાં મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવવા ગયેલા આશાસ્પદ ગુજરાતી વિદ્યાર્થીના મોત સમાચારથી પરિવાર આધાતમાં સરી પડ્યો છે. યુરોપના જ્યોર્જિયા દેશમાં છેલ્લા 16 દિવસથી સંદિગ્ધ પરિસ્થિતિમાં લાપતા બનેલા અમદાવાદના યુવક ધ્વનિત રાજદીપનો મૃતદેહ ત્યાંની એક નદીમાંથી મળી આવ્યો છે. તે ગત 14 મેથી ગુમ થયો હતો.
હોસ્ટેલથી અચાનક લાપતા થયો હતો 22 વર્ષીય ધ્વનિત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય ધ્વનિત રાજદીપ ડોક્ટર બનવાના સપના સાથે જ્યોર્જિયામાં અભ્યાસ કરી રહ્યો હતો. અચાનક ધ્વનિતના ગુમ થવાની જાણ થતાં જ અમદાવાદમાં રહેતો તેનો પરિવાર ચિંતાતુર બન્યો હતો. તેને શોધવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ મદદની વિનંતી કરી હતી.
મકાન માલિક સાથેના વિવાદ અંગે પરિવારની આશંકા
પરિવારે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ધ્વનિત અચાનક ગુમ થયો તે પાછળ તેના સ્થાનિક મકાન માલિક સાથે થયેલો કોઈ મોટો ઝઘડો જવાબદાર હોઈ શકે છે. પરિવાર દાવા મુજબ મકાન માલિક દ્વારા ધ્વનિતને અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેમની વચ્ચે બોલાચાલી પણ થતી હતી. આ સતત સતામણીના કારણે જ ધ્વનિત સાથે કોઈ અનિચ્છનીય કે શંકાસ્પદ ઘટના ઘટી હોવાની પ્રબળ આશંકા પરિવાજનો વ્યક્ત કરી રહ્યા છે.
યુક્રેનમાં ભણતો હતો યુદ્ધ શરૂ થતાં જ્યોર્જિયા શિફ્ટ થયો
પરિવાર મુજબ ધ્વનિત રાજદીપ ભણવામાં ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતો. તે આશરે ચાર વર્ષ પહેલાં મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી તેના માતા-પિતાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને જ્યોર્જિયા શિફ્ટ કરી દીધો હતો. ધ્વનિત છેલ્લા બે વર્ષથી વધુ સમયથી જ્યોર્જિયાની કાકેશસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો. તેનું ધ્યાન માત્ર ભણવા પર જ હતું અને તે કોઈ પણ પ્રકારની નોકરી પણ કરતો ન હતો. ધ્વનિતે ઘણા રિસર્ચ પેપર પણ લખ્યા હતા અને તેને સ્કોલર વિદ્યાર્થી માનવામાં આવતો હતો.
ધ્વનિતને PGમાં હેરાન કરવામાં આવતો
પરિવારે જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી ધ્વનિત જે PGમાં રહેતો હતો, ત્યાં તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તે દક્ષિણ ભારતના અનિલ નામના વ્યક્તિના ઘરમાં ભાડેથી રહેતો હતો. ધ્વનિતે ત્યાં રહેવા માટે ભાડું અને ડિપોઝિટ પણ આપ્યા હતા. પરંતુ થોડા જ દિવસો પછી ત્યાં રહેતા અન્ય લોકો તેને હેરાન કરવા લાગ્યા હતા. તેનું ટિફિન ખાઈ લેવામાં આવતું હતું, પૈસા ચોરી થઈ જતા હતા અને કપડાં પણ ફેંકી દેવામાં આવતા હતા. આ ઘટનાઓથી પરેશાન થઈને ધ્વનિતે નવો રૂમ લેવાનો નિર્ણય કર્યો હતો.
ડૉક્ટર પિતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
પિતા ડૉક્ટર મયુર રાજદીપે જણાવ્યું કે જ્યારે ધ્વનિતે અનિલને રૂમ ખાલી કરવા અને ડિપોઝિટ પરત કરવા અંગે વાત કરી, ત્યારે વિવાદ શરૂ થયો હતો. અનિલે ડિપોઝિટ પાછી આપવાનો ઇનકાર કરી દીધો. પરિવાર ડિપોઝિટ છોડવા પણ તૈયાર હતો, તેમ છતાં વિવાદ વધતો ગયો. ધ્વનિતે નવો રૂમ રાખી લીધો હતો અને પોતાનો અડધો સામાન પણ ત્યાં શિફ્ટ કરી દીધો હતો. પરંતુ જ્યારે તે બાકીનો સામાન લેવા જૂના PG પહોંચ્યો, તો તેના પર દરવાજો તોડવાનો આરોપ લગાવીને તેની પાસે વધારાના પૈસા માંગવામાં આવ્યા. પરિવારનું કહેવું છે કે ધ્વનિતે દબાણમાં આવીને તે પૈસા પણ આપી દીધા હતા.
Dhvanit Rajdeep, a 23-year-old Indian student in Tbilisi who had been missing for more than two weeks, has been found dead in the Mtkvari River, police said. https://t.co/NBC2gVI4L0
— Civil.ge (@CivilGe) May 29, 2026
અનિલે અભદ્ર ભાષામાં વાત કરી
ડૉક્ટર મયુરના જણાવ્યા અનુસાર આ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. તેમણે આરોપ લગાવ્યો કે અનિલ અને તેના સાથીઓએ ધ્વનિતનો ફોન આંચકી લીધો અને તેને એક રૂમમાં બંધ કરી દીધો હતો. આ દરમિયાન તેમની અનિલ સાથે કોલ અને ચેટ પર વાતચીત પણ થઈ હતી. પિતાનો આરોપ છે કે અનિલે અભદ્ર ભાષામાં વાત કરી અને પૈસાની માંગણી કરી. પરિવારે તે રકમ પણ મોકલી આપી હતી. ત્યારબાદ ધ્વનિતને છોડવામાં આવ્યો અને તે ટેક્સી લઈને ત્યાંથી નીકળી ગયો. ધ્વનિતે તેના પિતાને જણાવ્યું હતું કે આ જ રીતે પહેલા પણ એક છોકરી સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તે જ્યોર્જિયા છોડીને ચાલી ગઈ હતી.
ફોન પર વાત ચાલતી હતી અને ફોન કટ થઈ ગયો
આ ઘટનાઓ પછી ડૉક્ટર મયુરે તેમના પુત્ર માટે ભારત પરત આવવાની ટિકિટ મોકલી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, 14 મેના રોજ ધ્વનિત પોતાના રૂમમાંથી પાસપોર્ટ અને ફોન લઈને નીકળ્યો હતો. તે જ દિવસે બપોરે તેની તેના પિતા સાથે ફોન પર વાત થઈ રહી હતી. પરંતુ અંદાજે 20 સેકન્ડ પછી અચાનક કોલ કટ થઈ ગયો. ત્યારથી તેનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો. પરિવારે તાત્કાલિક ભારતીય દૂતાવાસ, કોલેજ પ્રશાસન અને સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. જે બાદ તેનો નદીમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર દુખ પહાડ તૂટી પડ્યો છે.



