गुजरात

જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્સો સામે ગુન્હો નોંધાયો | Clash between 2 groups over love dispute in Jamnagar’s Bhimvas : FIR against 7 people



Jamnagar Crime : જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના મુદ્દે બે પરિવારો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાતા મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ ભીમવાસ શેરી નં. 2માં રહેતા અકરમભાઈ હુસેનભાઈ સમાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પરિવારની એક યુવતીની સગાઈની વાતચીત ચાલી રહી છે અને યુવતી કોઈપણ પ્રકારનો સંબંધ રાખવા માંગતી ન હોવા છતાં ધર્મેન્દ્ર મકવાણા તેમના ઘર નજીક આવતો-જતો રહેતો હતો. આ બાબતે સમજાવવા જતા ધર્મેન્દ્રએ અશોક મકવાણાને બોલાવ્યો હતો.

ફરિયાદ અનુસાર અશોક મકવાણાએ ગાળાગાળી કરી અકરમભાઈને ઝાપટ મારી હતી. ત્યારબાદ અકરમભાઈના મામા વચ્ચે પડતા તેમના માથામાં લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી અને ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત અમુભાઈએ પણ ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટના દરમિયાન અકરમભાઈના પરિવારના અન્ય સભ્યો પણ સ્થળે પહોંચતા આરોપીઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ અકરમભાઈની બહેનને ધક્કો મારવામાં આવ્યો હતો, જ્યારે તેમની માતાના પગમાં ધોકો મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. બાદમાં આશિષ અને રમેશ નામના શખ્સો પણ ત્યાં પહોંચી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

બીજી તરફ આ જ બનાવમાં અશોકભાઈ કાનજીભાઈ મકવાણાએ પણ સામી ફરિયાદ નોંધાવી છે. અશોકભાઈએ પોલીસને જણાવ્યું છે કે તેમના ભત્રીજાને અકરમ ઉર્ફે બોદુની બહેન સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો, પરંતુ હાલ યુવતીની સગાઈની વાત ચાલતી હોવાથી તેમના ભત્રીજાએ વાતચીત બંધ કરી દીધી હતી. તેમ છતાં આ બાબતનો ખાર રાખી અકરમ ઉર્ફે બોદુ અને તેના મામાએ તેમના ભત્રીજા સાથે ઝઘડો કર્યો હતો.

ફરિયાદ મુજબ ભત્રીજાને માર મારવામાં આવતો હોવાથી અશોકભાઈ છોડાવવા વચ્ચે પડ્યા હતા, ત્યારે આરોપીઓએ લાકડાના ધોકાથી તેમના માથામાં હુમલો કર્યો હતો. હુમલાના કારણે તેમને કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ત્રણથી ચાર ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ગાલ પર ઝાપટ મારી મારામારી કરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે.

બંને પક્ષોની ફરિયાદોના આધારે જામનગર શહેર બી ડિવિઝન પોલીસે ગુનાઓ નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રેમ સંબંધ અને યુવતીની સગાઈના મુદ્દે સર્જાયેલા વિવાદે અંતે હિંસક સ્વરૂપ ધારણ કરતાં ભીમવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બનાવ અંગે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button