રાજકોટ સહિતના 10 મહાનગરોમાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ નહીં મળે | Congress will not get the post of Leader of Opposition in 10 metros including Rajkot

![]()
ભાજપ સંસદના ‘માવળંકર રૂલ’નું ચૂસ્ત પાલન કરશે : રાજકોટમાં કૂલ 72 બેઠકોમાં કોંગ્રેસને 7 બેઠકો, ભાજપે કહ્યું 7.2 કે વધુ એટલે 8 બેઠકો નથી તેથી પદ આપવા વિચાર નથી
રાજકોટ, : રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મેયર,ડેપ્યુટી મેયર સહિત પાંચ-પાંચ પદાધિકારીઓની ચૂંટણી અને નિયુક્તિ થઈ ગઈ છે અને આ નવા પદાધિકારીઓને કાર,ઓફિસ, સ્ટાફ સહિત અનેકવિધ સુવિધાઓ પણ આપી દેવાઈ છે પરંતુ, આ પૈકીની 10 મહાનગરપાલિકાઓમાં થોડી બાંધછોડ કરીને કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ આપવાનો ભાજપનો વિચાર નથી.જે કારણે રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, પોરબંદર, મહેસાણા એ 10 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ વિપક્ષી નેતાના પદથી પણ વંચિત રહી જશે.
વિગત એવી છે કે ઈ.સ. 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી.માવળંકરે વિરોધપક્ષના નેતા બનવા માટે એવું ધોરણ જાહેર કર્યું હતું કે કૂલ બેઠકોના કમસેકમ 10 ટકા બેઠકો મળે તો જ વિરોધપક્ષના નેતા (લીડર ઓફ ઓપોઝીશન)નું પદ આપવું. આ નિયમનું અર્થઘટન એવું થાય છે કે 10 ટકા મૂજબ જો આંક અપૂર્ણાંક (પોઈન્ટમાં) આવે તો રાઉન્ડ ફીગર નહીં પણ તેનાથી વધુ પૂર્ણાંકને જ માન્ય રાખવો. અર્થાત્ 543 બેઠક સામે 54 બેઠક ન ચાલે પણ 55 બેઠક હોવી જોઈએ.
રાજકોટ મનપાના સેક્રેટરી વિભાગના સૂત્રો અનુસાર આ અંગે મહાપાલિકામાં પોતાના નિયમ નથી પરંતુ, અમે ગુજરાત વિધાનસભાના નિયમ અંગે માહિતી મેળવી હતી જે મૂજબ ધારાસભામાં કૂલ 182 બેઠક છે તેમાં કમસેકમ 10 ટકા એટલે કે 18.2 અર્થાત્ કમસેકમ 19 બેઠકો મળે તો જ વિપક્ષના નેતાનું પદ અપાય છે. રાજકોટ મનપામાં કોંગ્રેસને 72માંથી 7.2 એટલે કે 8 બેઠક મળવી જોઈએ પણ મળી છે 7 બેઠકો. જેથી વિરોધપક્ષના નેતાનું પદ નિયમોનુસાર આપી શકાતું નથી.જો કે હજુ સુધી કોંગ્રેસે પક્ષલેવલે પોતાના વિપક્ષી નેતા પણ પસંદ કર્યા નથી.



