૭૨ ટકા યુવાનો ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિતતાનો અનુભવ કરે છે | 72 percent of young people feel uncertain about the future

![]()
જ્ઞાનમંજરી યુનિ. દ્વારા યુવાનોનું વિશેષ સર્વેક્ષણ કરાયું
પડકારોની સાથે સકારાત્મક પાસામાં ૫૧ટકા યુવાનો પોતાનો સ્ટાર્ટઅપ શરૃ કરવા
ઉત્સુક હોવાનું તારણ
ભાવનગર – શહેરની જ્ઞાાનમંજરી યુનિ.ના કોમર્સ વિભાગના છાત્રો
દ્વારા તાજેતરમાં હાલના ઝડપી યુગમાં કશુક મેળવવા દોડતા શિક્ષિત યુવાનોમાં
કારકીર્દી અંગેની ચિંતા અને ભવિષ્યની અનિશ્ચિતતા પર સર્વે હાથ ધરાયો હતો. જેમાં ૭૨
ટકા યુવાનો ભવિષ્યની અનિશ્ચિતતાનો અનુભવ કરતા હોવાનું તારણ સામે આવ્યું છે.
જ્ઞાાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીના કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા
યુવાનોમાં કારકિર્દી અંગેની ચિંતા અને ભવિષ્યની અનિશ્ચિતતા વિષય પર એક સર્વેક્ષણ
હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ કોમર્સના વિદ્યાર્થીઓ નારીગરા સુમિત, ચિત્રોડા
ઈશા અને મકવાણા હેમાંગી દ્વારા કોમર્સ વિભાગના વડા ડો. વિહંગ દેસાઈના માર્ગદર્શન
હેઠળ સપળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ સર્વેક્ષણમાં વિવિધ વય જૂથનાં કુલ ૧૦૮ વિદ્યાર્થીઓ અને યુવાનોના
પ્રતિભાવો એકત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિભાવોના ગહન વિશ્લેષણના અંતે ૭૨ ટકા
યુવાનો વધતી જતી સ્પર્ધાને કારણે ભવિષ્યની અનિશ્ચિતતા અનુભવે છે. ૬૮ ટકા યુવાનો
રોજગારના મર્યાદિત અવસરને લીધે યોગ્ય ક્ષેત્રે પસંદ કરવામાં ગુંચવણ અનુભવે છે. ૫૫
ટકા યુવાનો પારિવારિક અપેક્ષાઓ અને સા. પ્રતિષ્ટાને કારણેકારકિર્દીનું દબાણ અને
ચિંતા અનુભવે છે. ૫૮ ટકા યુવાનો સતત બીજા સાથે થતી તુલનાને પરિણામે નકારાત્મક
વિચારસરણી તરફ વળે છે. ૬૫ ટકા યુવાનોને યોગ્ય કાઉન્સેલિંગ અને માર્ગદર્શનની
જરૃરિયાત જણાઈ હતી. તો ૫૨ ટકા યુવાનો પરંપરાગત શિક્ષણના બદલે કૌશલ્ય આધારિત
પ્રોગ્રેસ (સ્કીલ ડેવલોપમેન્ટ)માં રુચી હોવાનું જણાયું છે. જ્યારે આ સર્વેના
હકારાત્મક પાસાની વાત કરીએ તો ૭૮ ટકા યુવાનો વૈશ્વિક તકો શોધવામાં ટેકનોલોજીનો
ઉપયોગ કરે છે. ૫૧ ટકા યુવાનો નોકરી શોધવાના બદલે પોતાનો સ્ટાર્ટઅપ કે વ્યવસાય
કરવાની ઈચ્છા ધરાવતા હોવાનું જણાયું છે. જ્યારે ૬૪ ટકા યુવાનો પરંપરાગત ક્ષેત્રોના
બદલે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ માર્કેટીંગ, પીનટેક જેવા નવા
વિકલ્પો અપનાવવા ઉત્સુક હોવાનું જણાયું છે.
વિશ્લેષણના આધારે નિષ્કર્ષ
હાલના યુવાનો કારકિર્દીલક્ષી અભિગમ ધરાવે છે, યુવાનો
તેમની કારકિર્દી અંગે જાગૃત છે તેમજ સતત ચિંતામાં પણ રહે છે. યુવાનોને તેમના
ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા ઘટાડવા માટે કાઉન્સેલિંગ, કેરિયર
ગાઈડન્સ અને સ્કિલ આધારિત શિક્ષણ ખુબ જ જરૃરી છે. નવી ટેકનોલોજી અને આધુનિક
ક્ષેત્રે અપનાવવા ઉત્સુક હોવાનું નિષ્કર્ષ સામે આવ્યું છે.



