ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજાશે | Jamnagar’s health department on alert against possible Ebola virus attack

![]()
Jamnagar EBola Virus Alert : આફ્રિકા ખંડમાં ઈબોલા વાઈરસ જીવલેણ ચેપજન્ય બિમારી એ દેખા દીધા છે. આ રોગના લક્ષણો ધરાવતા અમુક દર્દીઓ નોંધાતા સરકાર સતર્ક બની છે. જેના અનુસંધાને જામનગરમાં પણ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને આગામી શુક્રવારે જરૂરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં ઈબોલાને ફેલાતો અટકાવવા સરકારે અલગ-અલગ પ્રકારના પગલા લીધા છે. જે એરલાયન્સ આફ્રિકાના ઈબોલાના હોટઝોનથી લોકોને ભારત લાવી રહી છે, તેમને હવે સુનિશ્ચિત કરવું પડશે કે આવા યાત્રિકો ભારત પહોંચતા પહેલા સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરશે. સાથે જ હોટ સ્પોર્ટથી આવનાર યાત્રિકોને થયેલ સ્ક્રીનીંગ થશે. અમદાવાદમાં 11 જેટલા શંકાસ્પદ દર્દીઓને અલગ રાખવામાં આવ્યા છે.
અચાનક તાવ આવવા, માથાનો દુઃખાવો થાય, શરીરમાં દુઃખાવો અને નબળાઈ રહે, ગળામાં દુઃખાવો, ઉલટી, અમુક કેસમાં રક્તસ્ત્રાવ થાય તે ઈબોલાના મુખ્ય લક્ષણો છે. આ ગંભીર રોગ છે એન યોગ્ય સમયસરની સારવારના અભાવે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ રોગ સામે સરકારી તંત્ર સતર્ક બન્યું છે. જામનગરમાં પણ સરકારી જી.જી. હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો.વિજય પોપટની ઉપસ્થિતિમાં આગામી શુક્રવારે બેઠક યોજવામાં આવી છે. જેમાં મેડિસીન વિભાગના હેડ તબીબો, સીડીએચઓ, એમઓએચ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, તબીબો જોડાશે અને જામનગરમાં શું સાવચેતી રાખવી તે અંગે જરૂરી પગલાં લેવા માટેની ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને જરૂર પડે તો જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર તથા દવાની સ્થિતિ સહિતની માટે ચર્ચા થશે તેમ જાણવા મળે છે.


