गुजरात

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dispute in Mota Ankandiya



10ના નામજોગ તથા અન્ય 50 લોકોના ટોળા સામે ફરિયાદ

ખેતી માટે ફાળવાયેલી જમીનમાં થતું ગેરકાયદે ખનન રોકવા જતા કર્મચારીઓ સહિતના લોકો પર હુમલો, છરી ઝીંકી હત્યાનો પ્રયાસ

અમરેલી: અમરેલીના મોટા આંકડિયા ગામે ખેત સહકારી મંડળી તેમજ અન્ય લોકોને  સરકારે ફાળવેલી જમીનમાં ગેરકાયદે ખનન અટકાવવા જતા સરકારી કર્મચારીઓ તથા સામાજિક આગેવાન, કાર્યકર સહિતના લોકો પર ગામના ૧૦ શખ્સો તથા અન્ય ૫૦ લોકોના ટોળાએ છરી, પાઈપ, લાકડી વડે હિચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. 

અમરેલી તાલુકા પોલીસે ચિતલ ગામે મોણપુરા રોડ પર રહેતા સામાજિક કાર્યકર નરેશભાઈ ભીખાભાઈ વાળાની ફરિયાદ પરથી આરોપી ઘનશ્યામ ઠુમ્મર, રાજુ બાવીસી, ભરત ઉર્ફે શંકર બાવીસી, રમેશ બાવીસી, ધર્મેશ જગાભાઈ કાકડીયા, ઘનશ્યામભાઈ ભીમજીભાઈ બાવીસી, ધુડા ભીમજીભાઈ બાવીસી, જયસુખ ધીરૂભાઈ બાવીસી, રાજુ કુંભાણી, નિલેશ કરકર તથા પ૦ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ  હત્યાનો પ્રયાસ, રાયોટ અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળનો ગુનો નોંધ્યો છે. 

ફરિયાદમાં નરેશભાઈએ જણાવ્યું છે કે મોટા આંકડિયા ગામે ખેતી માટે જમીન મોટા આંકડિયા ખેતસહકારી મંડળીને ૯૦ વર્ષના પટ્ટે ફાળવવામાં આવી હતી તેમજ ગામના  અન્ય ર૧ લોકોને જમીન વાવવા માટે સરકારે ૧થી પ વર્ષના પટ્ટે આપી હતી, જે ગામના કેટલાક લોકોને ગમતું ન હતું. તેથી  આરોપીઓએ સરકારના સિંચાઈ વિભાગ પાસેથી સર્વે નંબર તેમજ ક્ષેત્રફળના ઉલ્લેખ વગરના બોગસ હુકમને આધાર બનાવી લોકો જે જમીન ઉપર ખેતી કરતા હતા તે જમીન ઉપરથી ગેરકાયદેસર માટી અને ખનીજ ખોદકામ કરી ઉપાડવાનું શરૂ કર્યું હતું. ગેરકાયદે માટી ખનન રોકવા સરકારમાં રજુઆત કરવામાં આવેલ હતી. જેથી સરકારી માણસો સાથે ગેરકાયદેસર ખનન અટકાવવા જતા આરોપીઓએ વ્હોટસએપ દ્વારા લાકડી, લોખંડના પાઈપ, છરી જેવા હથિયારો સાથે પ૦ જેટલા લોકોનું ટોળું ભેગુ કરી તે ટોળાને આરોપીઓએ ઉશ્કેરી તેને તથા સમાજના આગેવાનો  સહિતના વ્યક્તિઓ પર હિચકારો હુમલો કર્યો હતો. 

આ બઘડાટીમાં આરોપી રમેશ બાવીશીએ ફરિયાદીને છરીનો ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. બાદ તમામને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button