गुजरात

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો રૂદનમાં ફેરવાયા | panchmahal news shamera wedding dispute youth murdered by cousins demli village


Panchmahal Crime News: લગ્નનો પ્રસંગ હતો, આખું ગામ અને પરિવાર ઢોલ-નગારાના તાલે ઝૂમી રહ્યો હતો. ચારેય તરફ હસી-ખુશીનો માહોલ હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામની નવી વસાહતમાં 25 મે 2016ની એ રાત્રે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે, જે આંગણામાં વરરાજાનું ફુલેકું ફરવાનું છે, ત્યાં થોડી જ વારમાં એક પિતાની લાશ પડી હશે.

વરરાજા કલ્પેશના ઘરે ફુલેકું લાવવાની તૈયારીઓ હતી

ડેમલી ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ડામોરના દીકરા કલ્પેશના લગ્ન હતા. રાત્રિના લગભગ 11:00 વાગ્યાની આસપાસ વરરાજા કલ્પેશનું ફુલેકું ઘરે લાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ ખુશીના પ્રસંગમાં સામેલ થવા માટે કલ્પેશનો સગો પિતરાઈ ભાઈ, 26 વર્ષીય મિનેશ બાબુભાઈ ડામોર, પોતાની પત્ની નયનાબેન અને બાળકો સાથે આવ્યો હતો.

‘કલ્પેશભાઈનું ફુલેકું મારા ઘરે પણ લઈ જવાનું છે.’

આ સાંભળતા જ ત્યાં હાજર મિનેશના જ બીજા બે સગા કાકાના દીકરાઓ પ્રકાશ રઘુનાથ ડામોર અને દિપક ગલાભાઈ ડામોર એકદમ ઉશ્કેરાઈ ગયા. તેમણે કડક શબ્દોમાં ના પાડી, ‘ફુલેકું ત્યાં નથી લઈ જવાનું!’ મિનેશે આગ્રહ રાખતા કહ્યું, ‘ના, મારે ફુલેકું લઈ જવું જ છે.’

આંગણામાં જ ખેલાયો ખૂની ખેલ

બસ, આટલી સામાન્ય વાતમાં બંને ભાઈઓ પર જાણે ખૂન સવાર થઈ ગયું. આવેશમાં આવીને પ્રકાશ અને દિપકે વરરાજાના ઘરના આંગણામાં જ મિનેશ સાથે જોરદાર ઝપાઝપી શરૂ કરી દીધી. વાત ગાળાગાળીથી વધીને લાતો અને મુક્કાબાજી સુધી પહોંચી ગઈ.

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને 'જાન'થી મારી નાખ્યો!, લગ્નના ગીતો રૂદનમાં ફેરવાયા 2 - image

‘આજે તો તને જીવતો રાખવાનો જ નથી!’

બંને જણા મિનેશ પર તૂટી પડ્યા. મારના કારણે મિનેશ જમીન પર ઢળી પડ્યો. મિનેશ નીચે પડતાની સાથે જ પ્રકાશે ક્રૂરતાની બધી હદો વટાવી દીધી, તે મિનેશની છાતી પર ચઢી બેઠો અને તેનું ગળું દબાવવા લાગ્યો. બીજી તરફ, દિપકે તેને ગડદાપાટુનો માર મારવાનું ચાલુ રાખ્યું. બંને રાક્ષસી આવેશમાં બૂમો પાડી રહ્યા હતા, ‘આજે તો તને જીવતો રાખવાનો જ નથી!’

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

આ ભયાનક દ્રશ્ય જોઈને પરિવારમાં ચીસાચીસ મચી ગઈ. પરિવારના સભ્યોએ વચ્ચે પડીને જેમ-તેમ કરીને મિનેશને આ બંને આરોપીની ચુંગાલમાંથી છોડાવ્યો. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મિનેશ ત્યાં જ બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક  108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો અને મિનેશને શહેરા સરકારી દવાખાને ખસેડાયો. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ 26 વર્ષના મિનેશને મૃત જાહેર કર્યો. મિનેશના મોતના સમાચાર મળતા જ લગ્નના ગીતો રૂદનમાં ફેરવાઈ ગયા. એક સામાન્ય જીદના કારણે 3 માસૂમ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી.

આ પણ વાંચો: અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર

પોલીસે બંને આરોપીની કરી ધરપકડ

આ હત્યાકાંડ બાદ મૃતકની પત્ની નયનાબેન ડામોરે હિંમત ભેગી કરી શહેરા પોલીસ મથકે બંને કાકાના દીકરાઓ પ્રકાશ અને દિપક વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. આ ઓપરેશનમાં શહેરા પોલીસ ટીમ કામે લાગી હતી. જે બાદ બંને આરોપીઓ પ્રકાશ અને દિપકને દબોચી લેવાયા. જે ઘરના આંગણેથી ધામધૂમથી જાન નીકળવાની હતી, તેવામાં મિનેશની અર્થી નીકળતા ડેમલી ગામમાં ચકચાર મચી છે . 



Source link

Related Articles

Back to top button