છોટા ઉદેપુર: ભાજપ મહિલા નેતા ST જાતિ બતાવી નપા. પ્રમુખ બન્યા, પ્રમાણપત્ર રદ થતાં રાજકીય ગરમાવો | Chhota Udaipur Municipality BJP President Manjulaben Rathwa ST caste certificate cancelled

Chhota Udaipur Municipality: છોટા ઉદેપુર સ્થાનિક રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાના વર્તમાન ભાજપ પ્રમુખ મંજુલાબેન છત્રસિંહ રાઠવાના અનુસૂચિત જનજાતિ (ST) ના જાતિના પ્રમાણપત્રને સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યું છે. વિભાગીય વિશ્લેષણ સમિતિ, વડોદરા દ્વારા આ મામલે ખૂબ જ સઘન અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે સમિતિએ વર્ષ 1999 અને વર્ષ 2000માં ઈસ્યુ કરવામાં આવેલા મંજુલાબેનના ‘હિન્દુ રાઠવા’ જાતિના બંને પ્રમાણપત્રો તાત્કાલિક અસરથી રદ કરવાનો સર્વાનુમતે મહત્વનો હુકમ કર્યો છે.
હિંદુ ઢેબરીયા કોળી / ઢે.કોળી’ જાતિના હોવાનું ખૂલ્યું
આ કેસની વિગતો મુજબ, મંજુલાબેન રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ દસ્તાવેજો અને તેમના શાળાકીય રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેઓ મૂળ ‘હિન્દુ કોળી’ અથવા ‘હિંદુ ઢેબરીયા કોળી / ઢે.કોળી’ જાતિના છે. ભારતીય બંધારણ અને સરકારના નિયમો અનુસાર આ જાતિનો સમાવેશ અનુસૂચિત જનજાતિ (ST) ની સત્તાવાર યાદીમાં થતો નથી. આથી તેઓ કાયદેસર રીતે આ અનામત વર્ગનો લાભ મેળવવા પાત્ર ઠરતા નથી તેવું સમિતિ સમક્ષ સાબિત થયું હતું.
પ્રમુખ પદ અને કાઉન્સિલર પદ પર સંકટ
અત્રે ઉલ્લેખનીય છે કે, મંજુલાબેને આ જ ‘હિન્દુ રાઠવા’ (ST) જાતિના દાખલાનો ઉપયોગ કરીને વર્ષ 2025માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લીધો હતો. તેઓ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની અનુસૂચિત જનજાતિની સ્ત્રી અનામત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. આ જ બેઠકના આધારે તેઓ નગરપાલિકાના પ્રમુખ પદ સુધી બિરાજમાન થયા હતા, જેથી હવે આ ચુકાદા બાદ તેમના પ્રમુખ પદ અને કાઉન્સિલર પદ પર પણ મોટું કાયદાકીય સંકટ ઊભું થયું છે.

જાતિ પ્રમાણપત્રોને તાત્કાલિક જપ્ત કરવાનો આદેશ
વિભાગીય વિશ્લેષણ સમિતિએ પોતાના આદેશમાં માત્ર દાખલો રદ કરીને સંતોષ નથી માન્યો, પરંતુ કડક વલણ અપનાવતા મંજુલાબેનના બંને જાતિ પ્રમાણપત્રોને તાત્કાલિક જપ્ત કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ સદર પ્રમાણપત્રો પર સત્તાવાર રીતે ‘રદ્દ કરેલું અને જપ્ત કરેલું’ એવો સ્પષ્ટ સિક્કો મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખોટા પુરાવા કે જાતિના આધારે લાભ મેળવનારાઓ માટે આ ચુકાદો એક મોટો દાખલો બેસાડનારો સાબિત થયો છે.
આ મામલે સમિતિએ વહીવટી તંત્રને ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાતવર્ગ અધિનિયમ-2018 ની કલમ 11 અને 12 હેઠળ નિયમોનુસારની તમામ કડક અને ફોજદારી કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ આદેશો જાહેર કર્યા છે. આગામી દિવસોમાં આ મામલે છોટાઉદેપુર નગરપાલિકાના વહીવટમાં અને સ્થાનિક રાજકીય પક્ષોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે તેમજ આ મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.



